અરવલ્લી જિલ્લામાં લમ્પી વકર્યો:બાયડના પશ્ચિમ વિભાગમાં 500થી વધુ કેસ; પશુપાલકોની સરકાર પાસે વળતરની માગ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પશ્ચિમ વિભાગના ગામડાઓમાં લમ્પીના 500 કરતાં પણ વધુ કેસ નોંધાયા છે. ત્યારે લમ્પીના કારણે પશુઓના મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. પશુઓમાં ચેપી રોગ લમ્પી અરવલ્લી જિલ્લામાં વધતો જ જાય છે. ત્યારે ફક્ત બાયડના પશ્ચિમ વિભાગનું ગ્રાઉન્ડ ઝીરો હાથ ધર્યું તો, ચોંકાવનારા આંકડા સામે આવ્યા. બાયડના ભુડાસણ, લીંબ, અમિયપુર, પાલડી સહિતના વિસ્તારોમાં પશુઓ લમ્પીના નિશાનામાં આવ્યા છે. ફક્ત ભુડાસણમાં જ હાલ 50 સક્રિય કેસ છે અને લગભગ 8 પશુઓના મૃત્યુ થયા છે. લીંબમાં પણ પશુઓના મોત નિપજ્યા છે. અમિયાપુર જેવા નાના ગામમાં પણ 50થી વધુ લમ્પીના કેસ મળી આવ્યા છે.

બાયડના પશ્ચિમ વિસ્તારમાં લમ્પીના 500થી વધુ કેસ મળી આવ્યા હોવાનો સ્થાનિક પશુપાલકો પણ દાવા કરી રહ્યાં છે. અને આ વિસ્તારમાં જેટલા કેસ સક્રિય​​​​​​​ છે એ ઉપરથી કેટલા મૃત્યુ પામ્યા હશે એ સમજી શકાય છે. સરકારી તંત્ર દ્વારા વેક્સિનેશન કરાયું છે પણ રસીકરણની ખાસ અસર આ વિસ્તારમાં જોવા મળી નથી. પશુપાલકોનું કહેવું છે કે, લમ્પીની વધુ અસર ગાયમાં જોવા મળી છે અને મોત પણ ગાયના જ થયા છે. જેથી આ વિસ્તારના પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ થવા પામી છે. ત્યારે આ વિસ્તારમાં પશુપાલન વિભાગ પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતો રોકવા સારી સારવાર આપી રહ્યા છે અને પશુપાલકો પશુઓના મોત માટે વળતર મળે એવી માગ કરી રહ્યા છે. સંપૂર્ણ બાયડ તાલુકો અને જિલ્લાના અન્ય તાલુકામાં પશુઓમાં લમ્પીનો કેટલો કહેર હશે એ સમજી શકાય છે. આ ફેલાતા લમ્પીને રોકી પશુઓને બચાવવા ખાસ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...