જળ જિલણી એકાદશીની ઉજવણી:મોડાસા ખાતે એકાદશી નિમિત્તે ભગવાનને કુંડમાં સ્નાન કરાવી નૌકા વિહાર કરાવાયો; હરિભક્તોએ ભજન-કિર્તનની રમઝટ બોલાવી

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા

મોડાસા શહેર અને જિલ્લાભરના સ્વામિનારાયણ મંદિરો સહિત ધર્મસ્થાનકોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે બુધવારે અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રદાન કરનારી પરિવર્તિની યાને જળ ઝીલણી એકાદશીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં નૌકાવિહારના દર્શન ખુલ્લા મુકાયા છે.

સંતો અને ભાવિકો દ્વારા કિર્તનની રમઝટ બોલાવવામાં આવી
અષાઢ સુદ એકાદશીથી કારતક શુદ એકાદશીને ચાતુર્માસ કહેવામાં આવે છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષિરસાગરમાં શયન કરે છે. તેથી આ એકાદશીને દેવશયની કે દાન એકાદશી કહે છે. જયારે ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પાશ્વવર્તિની એકાદશી તરીકે પણ ઓળખાય છે અને ભગવાન આ દિવસે જળ ઝીલવા જતા હોય આ એકાદશીને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. આજે મોડાસા તાલુકામાં આવેલા એકવાલેન્ડ વોટરપાર્કમાં સ્વામિનારાયણ ભગવાનને નાવમાં બેસાડી સંતો અને ભક્તોએ તેમને ઈલેક્ટ્રોનિક નૌકામાં બીરાજમાન કરાવી જળવિહાર કરાવ્યા હતા. આ સાથે સંતો અને ભાવિકો દ્વારા કિર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી .

આ દિવસે ઉપવાસનું અનન્ય મહત્વ રહેલું છે
જળ ઝીલણી એકાદશીએ ઉપવાસ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ભાવિકો નકોરડા ઉપવાસ કરતા હોય છે. એકાદશી કરવાથી બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી, ગુરૂનો દ્રોહ કરનાર તેમજ સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે, એક લાખ તપસ્વીઓને રોજ નવી નવી રસોઈ કરીને 60 હજાર વર્ષ સુધી જમાડીને જે ફળ મળે છે તેટલું ફળ એક એકાદશી કરવાથી મળે છે.

અન્ય સમાચારો પણ છે...