મોડાસા શહેરી વિસ્તારમાં વર્ષોથી માઝૂમ ડેમમાંથી પીવાનું પાણી પાલિકા દ્વારા અપાય છે. તેની સામે પાલિકાને રૂ.37 કરોડ સરકાર ના સિંચાઈ વિભાગને ચૂકવવાના બાકી નીકળે છે. તેની સામે પ્રતિ વર્ષ પાલિકા ₹3,00,000 કરતાં વધુ વ્યાજનું ચૂકવણું કરતી હોવાથી માઝૂમ ડેમ અને તેની આસપાસના વિસ્તારમાં જમીન એકવાયર કરી પાલિકા દ્વારા પોતાના જ કૂવા અને ફિલ્ટર પ્લાન્ટ ઉભો કરાય તે માટે 20 કરોડ બજેટમાં ફાળવવામાં આવે તે માટે વિરોધ પક્ષના તમામ સભ્યોએ પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. શહેરી વિસ્તારમાં રોજિંદા 10 એમએલડી પાણીનો વપરાશ થતો હોવાનું કોર્પોરેટર હુસેનભાઇ ખાલકે જણાવ્યું હતું.
નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષના તમામ કોર્પોરેટરોએ શહેરીજનોને શુદ્ધ પીવાનું પૂરતું પાણી મળી રહે અને પ્રતિ વર્ષે સિંચાઈ વિભાગને ચૂકવવાના થતાં નાણાંમાંથી મુક્તિ મળે તે માટે માઝૂમ ડેમ વિસ્તારમાં પાલિકાના પોતાના કૂવા અને ફિલ્ટર પ્લાન્ટ ઉભો કરવા બજેટમાં રૂ. 20 કરોડ ફાળવવા માગ કરી હતી.પાલિકામાં વર્ષોથી ચૂંટાઈ આવતા કોર્પોરેટર સિકંદરભાઈ સુથાર ઉર્ફે રાજાબાબુ અને અન્ય કોર્પોરેટરોએ જણાવ્યું કે માઝૂમ ડેમમાંથી પીવાનું પાણી સીધું ઇલેક્ટ્રિક મોટર દ્વારા ખેંચીને તેને પ્લાન્ટમાં નાખીને ફિલ્ટર કરાય છે તેનો ખર્ચ અને મેન્ટેનન્સ પણ વધી જાય છે પરંતુ માઝૂમ ડેમની આસપાસ પાલિકા દ્વારા પોતાના કૂવાનું નિર્માણ કરીને તેમાંથી પાણી લઈને બાદમાં ફિલ્ટર કરાય તો ખર્ચ પણ ઓછો આવે અને શહેરીજનોને પાણી વધુ શુદ્ધ મળી રહે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.