કંપારી છોડાવે તેવા દ્રશ્યો:મોડાસાના ત્રિપલ એક્સિડેન્ટમાં આગ એટલી ઝડપી ફેલાઈ કે વાહનોમાં બેઠેલા એ લોકોને બચવાનો મોકો પણ ન મળ્યો

મોડાસાએક મહિનો પહેલા
  • ટ્રક, ટ્રેલર અને કારના ત્રિપલ અકસ્માતમાં 2 ભડથું, ત્રણેય વાહનો ભસ્મીભૂત
  • ત્રિપલ એક્સિડેન્ટમાં 2 ઈજાગ્રસ્તોને સારાવારાર્થે હોસ્પિટલ ખસેડાયા
  • અકસ્માતમાં 6 જેટલા લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે

અરવલ્લી જિલ્લાના મોડાસાના આલમપુર ગામ પાસે મોડાસા-નડિયાદ હાઈવે પર બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ ફાટી નીકળી હતી. જેમાં અંદાજે 6 જેટલા લોકોનાં મોત થયા હોવાની આશંકા છે. જોકે, બે લોકોના ભડથું થયેલી હાલતમાં મૃતદેહો બહાર કઢાયા હતા. બંનેને જોઈને ભલભલાં લોકોના હૃદય કંપી ઉઠે અને રૂંવાડાં ઉભા થઈ જાય તેવા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

બે લોકોના મૃતદેહો બહાર કઢાયા પણ જોઈ ન શકાય તેવી હાલતમાં
અરવલ્લીના આલમપુર પાસેના મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે સવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી હતી. જોતજોતાંમાં જ ત્રણેય વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. આગમાં સપડાયેલા વાહનમાંથી બે મૃતદેહ બહાર કઢાયા હતા. મૃતદેહો આગમાં ભડથું થઈ ગયા હતા. કઠણ કાળજાંના માનવીને પણ ડરાવી દે તેવી સ્થિતિમાં મૃતદેહ હતા. પગ અને હાથ બળીને ખાખ થયાં અને શરીર ભડથું થઈ ગયું હતું.

આગમાં એક વ્યક્તિ ભડથું થઈ ગયો
આગમાં એક વ્યક્તિ ભડથું થઈ ગયો

મરણચીસોથી રોડ ગુંજી ઉઠ્યો
અકસ્માતને પગલે લાગેલી આગ બાદ ત્રણેય વાહનોમાં રહેલા લોકોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગમગીની ભર્યા વાતાવરણમાં આગની ચપેટમાં આવેલા એ કમનસીબોની મરણચીસો સાંભળીને ત્યાંથી હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આગની જ્વાળામાં ત્રણેય વાહનો બળી રહ્યા હતા અને તેમાં રહેલા લોકો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. તમામે બચવા માટે મરણીયા પ્રયાસો કર્યા હતા પરંતુ આગ સામે બદનસીબો હિંમત હારી ગયા હતા અને મોતનો વિજય થયો હતો. ઘટનામાં અત્યાર સુધી ભડથું થયેલા 2 લોકોના મૃતદેહો બહાર કઢાયા હતા.

ટ્રકમાં એક્સપ્લોઝિવ કેમિકલ હોવાનું સામે આવ્યું છે
ટ્રકમાં એક્સપ્લોઝિવ કેમિકલ હોવાનું સામે આવ્યું છે

એક ડ્રાઈવર વાહનમાંથી કૂદી જતા તેનો બચાવ
અકસ્માત અંગે RTO અધિકારી મોઢે જણાવ્યું હતું કે, ત્રણ વાહન વચ્ચેની અકસ્માતમાં એક વાહનની અંદર એક્સપ્લોઝિવ કેમિકલના કારણે આગ લાગી હતી. જેમાં એક વાહનના ડ્રાઈવર કૂદી જતા બચી ગયા છે, જ્યારે સામેવાળા વાહનમાં ડ્રાઈવર અને કંડક્ટરમાંથી એકનું મૃત્યુ થયું છે. હાલમાં ક્રેનથી વાહનને ખેંચીને આગ પર કંટ્રોલ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

આગને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા
આગને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા

હાઈવે પર 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો
હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે. 90 ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. તો વાહનમાંથી ભડથું થયેલા મૃતદેહો બહાર કાઢ્યા હતા. અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે ટ્રાફિકને સિકા રોડ તરફ ડાયવર્ટ કરી દેવાયો હતો.

આગ પર કાબૂ આવતા ક્રેનની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ
આગ પર કાબૂ આવતા ક્રેનની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ
અકસ્માત બાદ આગમાં બળીને ભડથું થયેલા બદનસીબનો મૃતદેહ
અકસ્માત બાદ આગમાં બળીને ભડથું થયેલા બદનસીબનો મૃતદેહ