ચકચાર:મોડાસાના મોટીચીચણોમાં સભાસદોને ભાવ ફેર વધારો ન ચૂકવતાં દૂધ મંડળીને તાળું માર્યું

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસાની મોટીચીચણો દૂધ મંડળીમાં ભાવ ફેર વધારો ચૂકવવાના મુદ્દે બેઠક મળી હતી - Divya Bhaskar
મોડાસાની મોટીચીચણો દૂધ મંડળીમાં ભાવ ફેર વધારો ચૂકવવાના મુદ્દે બેઠક મળી હતી
  • ભાવ વધારો નહીં ચૂકવાય ત્યાં સુધી દૂધ ન ભરાવવાની સભાસદોની ચીમકી

મોડાસાના મોટીચીચણો દૂધ મંડળીના સભાસદોને ભાવ ફેર ચૂકવવાના મુદ્દે દૂધ મંડળીના મકાનને તાળું મારતાં ચકચાર મચી ગઇ હતી. બીજી બાજુ દૂધ મંડળીમાં ભરાતું રોજિંદુ 5000 લિટર દૂધ ક્યાં કરવું તે પણ સભાસદો માટે પ્રશ્ન ઉભો થયો છે. અગાઉ દૂધ મંડળીના તત્કાલીન પૂર્વ ચેરમેન અને સત્તાવાળાઓ દ્વારા રૂ. 70 લાખના ખર્ચે દૂધ મંડળીનું મકાન તાણી બાંધ્યું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

વહીવટદારથી ચાલતી દૂધ મંડળીમાં સભાસદોને ચાલુ વર્ષે ભાવ વધારો ન કરતાં પ્રશ્ને સભાસદોની બેઠક મળી હતી. ચાલુ વર્ષનો ભાવ વધારો ચૂકવવા સભાસદોએ બેઠકમાં મંડળી સત્તાવાળાઓને મોબાઈલથી જાણ કરી બોલાવ્યા હતા પરંતુ તેઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ગ્રામજનો દ્વારા દૂધ મંડળીને તાળાબંધી કરી હતી અને જ્યાં સુધી ભાવ વધારો નહીં ચૂકવાય ત્યાં સુધી દૂધ નહીં ભરાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

મંડળી સત્તાવાળાઅોએ પશુ લોન લઇ ન ચૂકવતા આ વર્ષનો ભાવ વધારો ચૂકવ્યો નથી
ગ્રામજનોએ જણાવ્યું કે તત્કાલીન પૂર્વ ચેરમેન અને સેક્રેટરી તેમજ અન્ય સત્તાવાળાઓ દ્વારા દૂધ મંડળીના મકાનને બનાવવા માટે 70 લાખનો ખર્ચ કર્યો હતો અને દૂધ મંડળીના મકાનને બનાવવા માટે બેન્કમાંથી પશુ લોન લીધી હતી. લોન ભરપાઇ ન થતાં સભાસદોને ચાલુ વર્ષનો ભાવ ફેર વધારો ચૂકવવામાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

એક નહીં પણ 3 -3બેન્કોએ પશુ લોન ધિરાણ કરી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
ગ્રામજનોએ જણાવ્યું કે એક નહીં પણ ત્રણ ત્રણ બેન્કોએ પશુ લોનનું ધિરાણ કર્યું છે આ બેંક લોનના ધિરાણમાં સાબરકાંઠા બેંકના કર્મીઓ પણ ફૂટેલા હોવાનો ગ્રામજનોએ આક્રોશપૂર્વક આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...