વિવાદ:માલપુર મામલતદારનો રે. તલાટીને ટ્વીટર પર ફોલોઅર્સ વધારવાના પરિપત્રથી વિવાદ

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની આવી કોઇ સૂચના નથી: અરવલ્લી કલેક્ટર

માલપુર મામલતદારે અત્રેની કચેરીમાં ફરજા બજાવતા રેવન્યુ તલાટીને સોશિયલ મિડીયા એકાઉન્ટ ટ્વીટર પર રોજના 10 નવા ફોલોઅર્સ વધારવાનો લેખિતમાં પરિપત્ર કરતાં ચકચાર મચી જવા પામી છે. જે તારીખે જેટલા ફોલોઅર્સ અનફોલો કરે તેના બીજા દિવસે 10 ઉપરાંત અનફોલો કરનારની સંખ્યા ઉમેરતાં જે આંકડો થાય તેટલા ફોલોઅર્સ વધારવાનો પણ લક્ષાંક આપ્યો છે અને આ અંગેની જાણકારી રોજેરોજ મામલતદારને કરવાની પણ કરવાની રહેશે તેવું જણાવ્યું હતું.

આ અંગે અરવલ્લી કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે હેતુસર પરિપત્ર કર્યાની જાણ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે મૌખિક આદેશ કરી શકાય પરંતુ લેખિત ન કરી શકાય.

માલપુર મામલતદાર ડી.વી. મદાતે માલપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી બી.એલ.ચૌધરીને પોતાના ટ્વીટર એકાઉન્ટ @MalpurMamlatdar પર દરરોજના 10 નવા ફોલોઅર્સ વધારવાનો લેખિતમાં આદેશ આપ્યો છે.

વધુમાં આદેશમાં જણાવ્યું છે કે જે તારીખે જેટલા નવા ફોલોઅર્સ અનફોલો કરે તેના બીજા દિવસે 10 ઉપરાંત અનફોલો કરનારની સંખ્યા ઉમેરતા જે આંકડો થાય તેટલા ફોલોઅર્સ વધારવાનો લક્ષાકં નક્કી કરાયો છે અને આની જાણ દરરોજ મામલતદારને કરવાની રહેશે.

આ અંગે અરવલ્લી કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે આ મામલે કોઇ પણ પ્રકારના પગલાં લેવાની જરૂર લાગતી નથી. પંચાયતમાં સરપંચ, આશાવર્કર કે બીજા કોઇ લોકો જોડાય તો સરકારની યોજનાઓ તેમના સુધી જલ્દી પહોંચી શકે તે માટે ફોલોઅર્સ વધારવાનું કહ્યું હતું. માલપુરમાં થોડા ઓછા ફોલોઅર્સ છે એટલે વધારવા કહ્યું છે.

સરકારી યોજનાઓ દરેક સુધી પહોંચે તે હેતુસર ફોલોઅર્સ વધારવા કહ્યું:મામલતદાર
આ અંગે માલપુર મામલતદાર ડી.વી. મદાતે જણાવ્યું કે પ્રજાલક્ષી સરકારના નવા પરિપત્રો તેમજ યોજનાઓની જાણકારી ગ્રામ પંચાયત વિસ્તારના દરેક ઘર સુધી પહોંચે તે માટે તેમણે માલપુર મામલતદારના ટ્વિટર એકાઉન્ટ ઉપર રેવન્યુ તલાટીને રોજના 10 ફોલોઅર્સ વધારવા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...