કમોસમી વરસાદથી પાકમાં નુકશાની:અરવલ્લી જિલ્લામાં મગફળી અને કપાસના પાકમાં નુકશાન, 54 હજાર હેક્ટર મગફળી જ્યારે 28 હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

અરવલ્લી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખરીફ પાકમાં વાવેતર કરાયેલા મગફળી કપાસ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં વરસેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે, અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનમાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદાજુદા પાકોનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ 54 હજાર હેક્ટર જમીનમાં મગફળી, 33 હજાર હેક્ટરમાં સોયાબીન, 28 હાજર હેક્ટર જમીનમાં કપાસ, 14465 હજાર હેક્ટર જમીનમાં દિવેલા, 9 હજાર હેક્ટર જમીનમાં અડદ જેવા પાકોનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થઇ જવાના આરે હતો. તેવામાં વરસેલા વરસાદે પાકને મોટું વ્યાપક નુકશાન કર્યું છે.

સૌથી વધુ નુકશાન મગફળીના પાકને થયું છે, ત્યારે પાક નુકશાન અંગે જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ખાતે અમારી ટિમ પહોંચી હતી. ત્યારે કંપાના ખેડૂતોએ કુલ 1200 વીઘા જમીનમાં માત્ર મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના વાવેતર બાદ ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા રાખી મગફળીનો પાક બહાર કાઢી સુકાવવા માટે મુક્યો હતો. તેવામાં વરસાદ વરસતા આ તમામ ખેડૂતોનો પાક પલળી જતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પાકની પરિસ્થિતિ જોતા મગફળીમાં ભેજ જતો રહેતા મગફળી કાળી પડી ગઈ છે. જેથી આવી મગફળી ટેકાના ભાવે પણ રિજેક્ટ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અકાળે વરસેલા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતો આ માટે તંત્ર યોગ્ય સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવી સ્થતિ આ એક કેમ્પના ખેડૂતોની નહિ પણ જિલ્લાના અનેક ખેડૂતોની થઇ છે.

અન્ય સમાચારો પણ છે...