અરવલ્લી માલપુરના અણિયોર ચોકડી પાસે સ્થાનિકોએ અંગ્રેજી દારૂ ભરેલી જીપ ઝડપી પાડી હતી. પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે દારૂની ખેપ ઝડપાતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. પોલીસ આવે એ પહેલાં દારૂની લૂંટ માટે પડાપડી ચાલી હતી. જોકે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
પોલીસ આવે એ પહેલાં દારૂની લૂંટ માટે પડાપડી ચાલી
આજે સમી સાંજે માલપુરના અણિયોર ચોકડી પાસે દારૂ ભરેલી કાર પસાર થતી હોવાની બાતમી સ્થાનિક કાર્યકરોને હતી. જેને લઈ કાર્યકરોએ ગાડી આવતા પીછો કર્યો હતો અને કારને ઝડપી પાડી હતી. કારમાં ખીચોખીચ દારૂ ભરેલો હતો. સ્થાનિકોએ દારૂ ઝડપીને પોલીસને જાણ કરી હતી. જ્યારે આરોપી રામચંદ રહે.ગાણતા.માલપુર જિ. અરવલ્લી ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસ આવે એ પહેલાં દારૂની લૂંટ માટે પડાપડી ચાલી હતી. જોકે પોલીસે દારૂ ભરેલી કારનો કબજો મેળવી કાર માલપુર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ જેની કિ.રૂ. 87 હજાર 600 તથા સ્કોર્પીયો ગાડીની કિં.રૂ. 2 લાખ મળી કુલ કિ.રૂ. 2 લાખ 87 હજાર 600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ પ્રોહી. મુદ્દામાલ કબજે લઇ પ્રોહી. એક્ટ મુજબ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોજની કેટલી દારૂ ભરેલી ગાડીઓ પસાર થતી હશે?
મહત્ત્વની બાબત એ છે કે, માલપુર પોલીસ સ્ટેશનથી રાજસ્થાન સરહદ માત્ર 12 કિલોમીટર દૂર છે. આમ તો આંતરરાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત હોવાના તંત્ર દાવા કરતો હોય હોય છે. ત્યારે શું સરહદી વિસ્તારોમાં બોર્ડરો ખુલ્લી હશે? શું પોલીસ દ્વારા કોઈ વાહનોનું ચેકીંગ નહીં કરાતું હોય? શું બુટલેગર અને પોલીસની મિલી ભગત હશે? આવા અનેક સવાલો પેદા થાય છે. ત્યારે માલપુર પોલીસની નાક નીચેથી આવી રોજની કેટલી દારૂ ભરેલી ગાડીઓ પસાર થતી હશે? પોલીસ માટે આ ખુબજ શરમજનક ઘટના સામે આવી છે. ત્યારે માલપુર પોલીસ આંખ આડા કાન રાખતી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે માલપુર પોલિસ કેવી કામગીરી કરે છે એ જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.