શામળાજી પાસેના નાપડામાં લગ્નમાં આવેલા ખેડબ્રહ્માના ગાડુના 40 વર્ષીય યુવાનનુ પ્રેમ સંબંધોની બાબતમાં રાત્રી સમયે ઇકો ગાડીમાં ચાલક સહિત ત્રણ શખ્સો અપહરણ કરતા ચકચાર મચી ગઇ હતી.
અપહરણ કરાયેલ યુવાનને રાત્રી સમયે અવાવરૂ જગ્યાએ લઇ જઇને તેને ઢોર માર મારીને તેના ખિસ્સામાં રહેલ રૂપિયા પચાસ હજાર રૂપિયાની લૂંટ ચલાવતા શામળાજી પોલીસ સ્ટેશનમાં ઈકો ગાડીના ચાલક સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ માર ધાર લૂંટ અને અપહરણનો ગુનો નોંધાયો હતો. વણઝારા સમાજના યુવાનને સમાજના જ અન્ય શખ્સો દ્વારા અદાવત રાખીને તેને ઢોર માર મારવામાં આવતા તેને હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.
ખેડબ્રહ્માના ગાડુમાં રહેતો સુરેશ ભાઈ વણઝારા શનિવારે તેની માસીની દીકરીના લગ્ન હોવાથી ભિલોડા તાલુકાના નાપડા ખાતે આવ્યો હતો. જ્યાં રાત્રે લગ્ન વિધિ પૂર્ણ કરીને તે તેના મામી લક્ષ્મીબેન રણછોડ ભાઈના ઘરે જઈને રાત્રિના 1:00 ઊંઘી ગયો હતો. દરમિયાન રાત્રિના ઇકો ગાડી લઈને ચાલક સહિત ૩ શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને મહિલા સાથે પ્રેમ સંબંધ બાબતની અદાવત રાખીને ત્યાંથી યુવાનને અપહરણ કરીને ભાગી છૂટ્યા હતા. અપહરણ કરાયેલી યુવાનની અવાવરૂ જગ્યાએ લઇ જઇને ગડદાપાટુનો માર મારી તેમજ ખિસ્સામાં રહેલા રોકડ રૂપિયા 50 હજારની લૂંટ ચલાવી પરત ઉતારીને ધમકી આપી ભાગી છૂટ્યા હતા.
આ અંગે સુરેશભાઈ વસ્તાભાઇ વણઝારાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતનભાઇ અજમલ ભાઈ વણઝારા અને અરવિંદભાઈ મનસુખભાઈ વણઝારા બંને રહે નાપડા તાલુકો ભિલોડા અને અજાણા ઇકો ગાડી ચાલક સહિત ત્રણ વિરુદ્ધ મારામારી અપહરણ અને લૂંટનો ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.