અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો વરસાદ મોડાસા અને માલપુર તાલુકાના દક્ષિણ પટ્ટાના ગામોમાં પડ્યો હોવાનું નોંધાયું છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ અત્યારથી જ તળાવમાં પાણીના તળિયા દેખાવાના શરૂ થતાં ઉનાળામાં પશુઓને પીવાના પાણીની અને ઘાસચારાની વિકટ સમસ્યા ઉભી થવાના નિર્માણને લઈને પશુપાલકો અને ખેડૂતો અત્યારથી ચિંતિત બન્યા છે.
મોડાસા તાલુકાના દક્ષિણે આવેલા ડુંગરવાડામાં ઓછા વરસાદના કારણે તળાવ ખાલીખમ ભાસી રહ્યું છે. પરિણામે આસપાસના બોર કૂવામાં પણ પાણીના તળ નીચા ગયા હોવાથી ઉનાળાના દિવસોમાં ઘાસચારાની વાવણી માટે અત્યારથી જ ખેડૂતો ચિંતિત બન્યા હોવાનો ગામના અગ્રણી ખેડૂત ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે તળાવ પાણીથી ખાલીખમ હોવાના કારણે પશુઓને અને ઘેટાં બકરાંવાળા માલધારીઓને પણ પશુઓને પાણી પીવડાવવા માટે અત્યારથી જ રઝળપાટ શરૂ થઈ હોવાની બૂમ ઉઠી છે. માલપુર તાલુકાના મોરલી તેમજ મગોડી સખવાણીયા ટુણાદર ખલીપુર અને બાયડ તાલુકાના ગોતાપુર અને પ્રાંતવેલ નાની સિંચાઈ યોજનાના જળાશયમાં પણ પાણીના તળિયા દેખાવાના શરૂ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
પ્રાંતવેલના પૂર્વ સરપંચ અશોકસિંહ ડાહ્યાભાઈ પગીએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના દક્ષિણે મહિસાગર જિલ્લાની સરહદ ઉપર આવેલા ગામડાઓમાં ચોમાસા દરમિયાન નહીવત વરસાદના કારણે વર્ષો બાદ અરવલ્લી જિલ્લાના પ્રાંતવેલ નાની સિંચાઇ યોજના જળાશયના તળિયા દેખાવા લાગ્યા છે. પરિણામે આસપાસના બોર કૂવામાં પણ પાણીના તળ નીચા જતાં ઉનાળામાં ખેડૂતો ને પૂરતું પાણી ન મળવાના કારણે આગામી સમયમાં ઘાસચારાની વિકટ સમસ્યાનું નિર્માણ થવાનું હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.