કામગીરી:મોડાસામાં નેત્રમે મોબાઇલ અને 10હજાર રોકડ ભરેલું પર્સ શોધ્યું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ રિક્ષા ચાલક લઇ જતો રહ્યો હતો, અન્ય મહિલા પર્સ રિક્ષામાં ભૂલી ગઇ હતી

મોડાસામાં પૂજન હોસ્પિટલના સ્ટાફ રૂમમાં મૂકેલ આશરે 15હજારનો મોબાઇલ અને મેઘરજ ચોકડી આગળ ગુમ થયેલ પર્સ અને તેમાં રહેલ રોકડ 10હજાર નેત્રમ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલની મદદથી શોધી પરત કરાયા હતા. બંને મહિલાઓએ નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોડાસા શહેરમાં રહેતા વલસાબેન સુધાકરભાઇ આચારી પૂજન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોઇ હોસ્પિટલમાં દર્દીની સારવારમાં હતા તે દરમ્યાન તેઓનો મોબાઇલ સ્ટાફ રૂમમાં પડેલો હતો. દર્દીની સારવાર બાદ સ્ટાફ રૂમમાં પાછા આવીને જોતા મોબાઇલ ફોન ગુમ જણાતા તેમણે ત્યારબાદ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કોઇ અજાણ્યો શખ્સ રિક્ષા લઇને આવ્યો હોવાનું અને તે મોબાઇલ ફોન લઇ જતો જોવા મળ્યો હતો. આ બાબતની તપાસ અર્થે મહિલાએ મોડાસા ટાઉન પો.સ્ટે અને નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો નેત્રમ શાખા દ્વારા તાત્કાલીક મોડાસા શહેરના ડીપ એરીયા વિસ્તારમાં લગાવેલ CCTV ફૂટેજ ચેક કરતાં રિક્ષા ચાલક જૂનીઆરટીઓ તરફ ગયો હોવાનુ બહાર આવ્યું હતું. આ વિગતો મોડાસા ટાઉન પો.સ્ટે. ને આપતાં વાહન નંબરના આધારે રિક્ષા ચાલકને ઝડપી કડકાઇથી પૂછપરછ કરતાં રિક્ષા ચાલક દ્વારા મોબાઇલ પોતાની પાસે હોવાનુ જણાવ્યું હતું અને મહિલાને 15000નો મોબાઇલ પરત કરાયો હતો.

શનિવારે મહિલા મુસાફર બપોરના સમયે મેઘરજ ચોકડીથી સહયોગ સર્કલ તરફ જતા હતા. તે સમયે રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓનું પર્સ રિક્ષામા રહી ગયું હતું. ઘટના બાબતે નેત્રમ ખાતે મહિલા દ્વારા અરજી અપાતાં ટીમ નેત્રમ દ્વારા મેઘરજ વિસ્તારમાં લગાવેલ CCTV કેમેરાના ફૂટેજની ઊંડાણપૂર્વક ચકાસણી કરાઈ હતી આ ઘટનામાં રિક્ષા ચાલક સહયોગ ચોકડી તરફ જતો જોવા મળ્યો હતો વધુ તપાસ અર્થે ITMS સોફ્ટવેર ના આધારે રિક્ષાનો વાહન નંબર GJ09-7-6646 ની ઓળખ કરાઇ હતી. જેના આધારે નેત્રમ શાખા દ્વારા રિક્ષા ચાલક નો સંપર્ક કરતાં તેઓની પાસે રહેલ પર્સ નેત્રમ શાખાની હાજરીમાં અરજદારને સહી-સલામત પરત કરાયું હતું.આમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી કેમેરાના માધ્યમથી ₹15,000નો મોબાઈલ અને 10હજાર રોકડ રકમ ભરેલું પર્સ મહિલાને પરત કરવામાં આવ્યું હતું બંને મહિલાઓએ નેત્રમના અધિકારી જે એમ ચૌધરી,સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...