ભિલોડા અને બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી કોકડું ગૂંચવાયું છે. ભિલોડા અને બાયડમાં પોતાના માનીતા ઉમેદવારને ટિકિટ અપાવવા માટે મોટું લોબિંગ શરૂ થયું છે. ટિકિટ મામલે ગોડફાદારોએ પણ દિલ્હીમાં ધામા નાખ્યા હોવાનું જાણવા મળેલ છે. આ બંને બેઠકો માટે દિલ્હીમાં કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિમાં આજે નિર્ણય કરાવવાનો હોવાનું જાણવા મળ્યું છે. ભિલોડા એસટી બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવા છેલ્લા એક સપ્તાહ થી કોકડું ગૂંચવાયું છે.
ભિલોડા બેઠક ઉપર જિ.પં. પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારગી, ડો. રાજન ભગોરા, કોંગ્રેસ ઉપપ્રમુખ કાંતિભાઈ હોથા અને પૂર્વ ધારાસભ્યના પુત્ર દિલીપભાઈ કલજીભાઇ કટારા ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી રહ્યા છે. ભિલોડા બેઠક ઉપર કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તે માટે પણ પ્રદેશ મોવડી મંડળમાં કોકડું ગૂંચવાયું છે. બીજી બાજુ બાયડ વિધાનસભા બેઠક ઉપર પણ છેલ્લે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસુભાઈ પટેલનું નામ ફાઇનલ હોવાનું મનાઈ રહ્યું હતું.
પરંતુ છેલ્લા એકસપ્તાહ દરમિયાન આ બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી જંગમાં ઉતરવાના હોવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે અને આ અંગે ગાંધીનગરમાં મહેન્દ્રસિંહ વાઘેલા ના નિવાસ્થાને બાયડ અને માલપુરના કાર્યકરોનો ધસારો પણ છેલ્લા ચાર દિવસથી વધી ગયો હોવાનું જાણવા મળેલ છે.
બાયડ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન માનવેન્દ્રસિંહ સોલંકી, માલપુરના રંભોડાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન, ભાથીભાઈ સાંકળાભાઈ ખાંટે પણ ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે. પરંતુ બાયડની બેઠક ઉપર એકાએક પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ આવતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. જોકે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા અગાઉ બે વાર આ બેઠક ઉપર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.