કાર્યવાહી:અરવલ્લીમાં 15 દિવસમાં 6 બાળલગ્નો અટકાવાયાં

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખાત્રીજના દિવસે 2 બાળલગ્ન અને બાકીના દિવસોમાં બાતમી આધારે કાર્યવાહી કરી
  • જિલ્લા સુરક્ષા બાળ એકમ અને સમાજ સુરક્ષાની બાળલગ્ન યોજનારા વાલીઓને નોટિસ

અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ છેલ્લા 15 દિવસમાં 6 જેટલા બાળલગ્નો યોજાવાના હોવાની ફરિયાદ મળતાં જેના ભાગરૂપે વિભાગીય કચેરીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને અખાત્રીજના દિવસે યોજાયેલ બાળલગ્નો અને ત્યારબાદ વધુ બે બાળ લગ્નો સહિત 6 બાળલગ્નો અટકાવ્યા હતા અને જિલ્લા સુરક્ષા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળલગ્નનું આયોજન કરનાર વાલીઓને નોટિસ ફટકારાઇ હતી.

અરવલ્લી જિલ્લામાં વૈશાખ માસમાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે જિલ્લાના જુદા જુદા સ્થળોએથી બાળલગ્ન હોવા અંગેની ફરિયાદો જિલ્લા બાળ સુરક્ષા એકમને મળી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી સ્થળ તપાસ કરાઇ હતી. જેમાં વર-વધૂની ઉંમરના પુરાવાઓ ચકાસતા મે- માસમાં અત્યાર સુધી કુલ 4 બાળલગ્નો જેમાં અક્ષયતૃતિયા (અખાત્રીજ) ના દિવસે 2 બાળલગ્નો હોવાનું જણાતાં સ્થળ ઉપર જઈને તમામ બાળલગ્ન અટકાવાયા હતા.

તમામ બાળકોના માતા-પિતા અને કુટુંબીજનોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-વિશે માર્ગદર્શન આપીને વિભાગ દ્વારા તેમની પાસેથી લગ્ન મોકૂફ રાખવા અંગે નિવેદનો લેવામાં આવ્યા હતા. તદુપરાંત જ્યાં સુધી બાળકોની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થાય ત્યારબાદ જ લગ્ન કરાવવા અંગેની બાંહેધરી લેવાઇ હતી અને તેમને નોટિસ પણ ફટકારાઇ હતી.

તેમજ લગ્ન તારીખથી પોલીસ જાપ્તો ગોઠવી યેનકેન પ્રકારે બાળલગ્ન ના થાય તે અંગે પગલા લેવાયા હતા. જિલ્લાના જાગૃત નાગરિક કોને બાળ લગ્નનું દૂષણને અટકાવવા જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા સમાજ સેવાના ભાગરૂપે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ હેલ્પલાઈન નં. 1098 અને પોલીસ અધિકારીને અથવા કંટ્રોલરૂમ નં. 100 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...