સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઓલ ઇન્ડિયા બીએસએનએલ એન્ડ ડીઓટી પેન્શનર્સ એસો.ની બેઠક હિંમતનગરમાં મળી હતી જેમાં પેન્શનરોએ પડતર માગણીના પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઓલ ઈન્ડિયા બીએસએનએલ એન્ડ ડીઓટી પેન્શનર્સ એસો.ના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું દ્વિ-વાર્ષિક સંમેલન ગાયત્રી પ્રજ્ઞા મંદિર હોલ, મહાવીર નગર,હિંમતનગરમાં યોજાયું હતું. જેમાં ગુજરાત સર્કલના પ્રમુખ નટુભાઈ એન પટેલ, સહમંત્રી નાગજીભાઈ જે દેસાઈ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી યાકુબભાઈ એચ. શેરસીયા મહેસાણા જિલ્લાના મહામંત્રી ગોવિંદભાઈ બી. દરજી હિંમતનગર વિભાગના પૂર્વ મહામંત્રી એચ. એન. પરમાર વિગેરે અગ્રણીઓએ હાજર રહી સભ્યોને 15 ટકા ફિટનેન્ટ સાથે પેન્શન રિવિઝનની માગણી તથા મેડિકલ બિલનાં નાણાંની સમયસર ચૂકવણી માટેની સરકારની ઢીલી નીતિની આકરી ટીકા કરતાં જણાવ્યું કે સમયસર પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
ડીજીએમ રાજપાલ તથા ચીફ એકાઉન્ટ ઓફિસર ચામડિયાએ સર્વે પેન્શનર્સ પાસે બીએસએનએલની પ્રોડક્ટ વેચવા સહકાર આપવાની અપીલ કરી હતી. સંગઠનના મહામંત્રી પી કે પટેલે સર્વે સભ્યોના પ્રશ્નોના નિકાલ માટે સંપૂર્ણ સહયોગ આપી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
સંમેલનમાં આગામી બે વર્ષ માટે પ્રમુખ ગણપતસિંહજી જે ચૌહાણ, મહામંત્રી પી કે પટેલ. ખજાનચી એચ કે સિસોદિયા સહિત અન્ય હોદ્દેદારોની સર્વ સંમતીથી વરણી કરાઇ હતી.ગુજરાત સર્કલના મહામંત્રી મનુભાઈ બી ચનીયારા, બીએસએનએલ એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ મહેશભાઈ કે દવે અને મહામંત્રી વિજયભાઈ પ્રજાપતિ, હિંમતનગર વિભાગના પ્રમુખ પ્રકાશભાઈ એસ. ઉપાધ્યાય વિગેરેએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.