માલપુર-મેઘરજમાં વાવાઝોડું ફૂંકાયું:માલપુરના ખલીકપુરના યુવક પર ઝાડ પડતાં મોત, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો

મોડાસા,હિંમતનગર,માલપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક પોતાની સાસરી ઝાલોદરમાંથી બાઇકમાં પેટ્રોલ પુરાવી ઘરે પરત જતાં સુરાતનપુરા નજીક વૃક્ષ તૂટી પડતાં મોતને ભેટ્યો
  • મેઘરજના પીસાલ, ઇપલોડામાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાતાં મકાનોના પતરાં ઉડ્યા, પ્રાંતિજમાં 4 અને હિંમતનગરમાં 1 મીમી વરસાદ પડ્યો

માલપુરના અણિયોર પંથકમાં રવિવાર સાંજે વાવાઝોડા સાથે તોફાની પવન ફૂંકાયો હતો દરમિયાન મોડાસા અણિયોર રોડ ઉપર સુરાતનપુરા પાસેથી બાઇક લઈ પસાર થઈ રહેલા માલપુરના ખલીકપુરના 25 વર્ષીય યુવાન ઉપર અચાનક વૃક્ષ તૂટી પડતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે શોકની લાગણી છવાઈ હતી. ચાર દિવસના અંતરાલ બાદ રવિવારે સાંજે હિંમતનગર અને પ્રાંતિજમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસી જતા ઉકળાટ અને બફારામાંથી મુક્તિ મળી હતી.

પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનને કારણે જૂના વૃક્ષ પડી જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. હિંમતનગરમાં 1 અને પ્રાંતિજમાં 4 મીમી વરસાદ પડ્યો હતો.મેઘરજના પીસાલ, ઇપલોડા, કંભરોડા, સીસોદરા (મે) સહિતના પંથકમાં રવિવાર મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડતાં ઇપલોડા પંથકના મોટા ભાગના ખેડૂતોને નુકસાન થયું હતું.

માલપુરના ખલીકપુરમાં રહેતો ભાવેશભાઈ પ્રભાતભાઈ ખાંટ (25) તેની સાસરી ઝાલોદર થી સાંજે પત્ની અને બાળક સાથે બાઇક પર માલપુરના ખલીકપુર ઘરે આવવા નીકળ્યો હતો. દરમિયાન રસ્તામાં અધવચ્ચે બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ જતાં બાઇકચાલક તેની પત્ની અને બાળકને રસ્તામાં ઉતારીને પેટ્રોલ પૂરાવા આવ્યો હતો.

દરમિયાન તે પેટ્રોલ પૂરાવીને પત્ની અને બાળકને લેવા માટે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન મોડાસા અણીયોર રોડ ઉપર આવેલા સુરાતનપુરા પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાતા બાઇકચાલક ભાવેશભાઈ ખાંટ રહે. ખલીકપુર પર અચાનક વૃક્ષ તૂટી પડતાં ઘટનાસ્થળે પળવારમાં જ તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાના પગલે આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ચાલકનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતુ. માલપુરના પીપરાણા પંચાયતના વણઝારીયામાં રવિવાર સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડતાં પગી ભાથીભાઈ વાઘાભાઈની ભેંસ પર ઝાડ પડતાં મોત થયુ હતું.

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીનો વરસાદ
તાલુકોવરસાદ(મીમી)
હિંમતનગર48
ઇડર11
વડાલી44
ખેડબ્રહ્મા32
પોશીના40
વિજયનગર118
પ્રાંતિજ12
તલોદ56

મેઘરજ પંથકમાં વાવાઝોડાઅે તારાજી સર્જી ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન

મેઘરજના ઇપલોડામાં રાકેશભાઈ વાળંદની બે દુકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે મંગુભાઇ રણછોડભાઈ પટેલનો પતરાનો શેડ વાવાઝોડામાં ઊડતા 300 ફૂટ જેટલાં દૂર ફંગોળાઈને પડ્યો હતો. ઇપલોડા પીસાલ, સિસોદરા કંભરોડા સહિતના અનેક ગામોમા મકાનોના છત, શેડ, અને ઘરના નળિયા સહિત અનેક મકાનોને, તબેલા અને શેડને વાવાઝોડામાં મોટા પ્રમાણમા નુકસાન થયું હતું. પીસાલમાં વાવઝોડામાં ઘરના નળિયા અને છત ઉડી જતાં અસરગ્રસ્ત રહીશોના મકાનમાં ઢીંચણસમા પાણી ભરાતા અનાજ અને ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...