અરવલ્લી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખેડૂતોએ કરેલા ઘઉંના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. ખેડૂતો પાકના વળતર માટે સરકાર પાસે યોગ્ય સહાયની માગ કરી રહ્યાં છે.
અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ ઘઉંનું 73 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કર્યું હતું. ચાલુ સિઝનમાં વરસાદ પણ સારો થયો અને ઠંડી પણ ઘઉંના પાકને અનુકૂળ પડી જેથી ખેડૂતોને ઘઉં નું સારું ઉત્પાદન મળે એવી પરિસ્થિતિ સર્જાઇ હતી, પણ જાણે જગતના તાત પર કુદરત સદા રુઠેલી રહેતી હોય એમ એકાએક સંપૂર્ણ પાક તૈયાર થઈને ઉભો છે. એક-બે દિવસમાં લેવાય એવી ખેડુતોએ તૈયારીઓ કરી ત્યાં એકાએક વરસાદ જાણે વિલન બનીને આવ્યો. સતત ત્રણ દિવસ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી અને આગાહી મુજબ કમોસમી વરસાદ પણ વરસ્યો. જેના કારણે ખેતરમાં ઉભો પાક પડી ગયો અને વરસાદી પાણીથી પલડી ગયો. ખેડૂતો મોંઘા ભાવના ખાતર બિયારણ લાવ્યા અને સારી માવજત પણ કરી બસ ફકત પાક લેવાની તૈયારીના સમયે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખેતીપાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે. હાલ ખેડૂતના માથે આભ તૂટી પડ્યું છે ત્યારે જિલ્લાના માલપુર, મેઘરજ, મોડાસા તાલુકામાં ઘઉંના પાકને વ્યાપક નુકશાન ગયું છે. ખેડૂતો દુઃખી હૃદય સાથે વળતરની માગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.