26 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ હવે નજીકમાં છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ ખાતે આવેલ મહાત્મા ગાંધીનું ગુજરાતનું એક માત્ર સમાધિ સ્મારક વિકાસ જંખે છે. સ્થાનિકો આ સ્થળને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી રહ્યાં છે.
મોડાસા થી 12 કિલોમીટર દૂર મેશ્વો અને જુમર નદીના સંગમ તટે આવેલા મહાદેવ ગ્રામ - બાકરોલ ગામ છે. આ ગામમાં દરેક સમાજની વસ્તી રહે છે. આ ગામના એક અગ્રણી દ્વારા મહાત્મા ગાંધીજીના અસ્થિ લાવીને મેશ્વો અને જુમર નદીના સંગમ તટે પધરાવ્યા હતા. જે તે સમયે અસ્થિ પધરાવ્યા ત્યાં ડુંગરની તળેટી પર નાની ડેરી બનાવી હતી અને 2 ઓક્ટોમ્બર ગાંધી જયંતિ અને 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન આ બે દિવસોએ ગ્રામજનો દ્વારા પ્રાર્થના અને ભક્તિગીતના કાર્યક્રમ દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અપાતી હતી.
જેમ જેમ સમય ગયો એમ આ સ્થાનક બાબતે જિલ્લા વાસીઓને પણ જાણ થઈ. ત્યારે સમાધિ સ્મારક પાસે જવા માટે રસ્તો પણ નહોતો. જેથી સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી અને દિલ્હીના રાજઘાટ જેવું જ મીની રાજઘાટ સમાધિ સ્મારક બનાવ્યું. ગ્રામજનો અને પૂર્વ સાંસદના પ્રયાસથી તે વખતના રાજસભાના સંસદ અમિત શાહ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 55 લાખની ફાળવણી કરાઈ હતી. હવે આ સ્થાનનો મહિમા વધતો ગયો છે. ત્યારે હજુ પણ પૂરતી પાયાની સુવિધા આ સ્થળ પર નથી. જેથી ગ્રામજનોએ આ સ્થાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી છે અને આ સ્થાનનો પૂરતો વિકાસ થાય એ માટે સરકારે પ્રયત્નો હાથ ધરવા જોઈએ એવી માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.