અરવલ્લી જિલ્લામાં ચણાના પાકમાં સુકારો અને ફૂગનો રોગ આવતા ઉભો પાક સુકાઈ રહ્યો છે. જેના પગલે 11.5 હજાર હેક્ટરમાં થયેલા ચણાના પાક ઉપર જોખમ ઉભું થયું છે. ત્યારે મોંઘા ભાવે બિયારણ લાવી સારા વળતરની આશા રાખી રહેલા ખેડૂતોને ઉત્પાદન ઉપર અસર થાય તેવી સ્થિતિનું નિર્માણ થતા નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
અરવલ્લી જિલ્લામાં આ વર્ષે 1.31 લાખ હેકટર જમીનમાં રવિ સીઝનનું વાવેતર થયું છે. જેમાં 11.5 હજાર હેકટર જમીનમાં ચણાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને આ વર્ષે સારા ઉત્પાદનની આશા હતી, પણ આ આશા પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ચણાના પાકમાં ફૂગ અને સુકારાનો રોગ આવતા છોડ ઉભા સુકાઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા મોંઘાભાવે દવા લાવી છંટકાવ પણ કરવામાં આવ્યો છે. છતાં આ રોગ ઉપર કાબુ મેળવી શક્યા નથી અને જેને પગલે ખેડૂતોને પાક ઉપર અસરને પગલે નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
જિલ્લામાં ચણાનું વાવેતર સૌથી વધુ માલપુર અને ભિલોડા તાલુકામાં થયું છે. માલપુર તાલુકાના સજ્જનપુરા કંપા ખાતે ખેડૂતોએ 100 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે. માલપુર તાલુકાના સજ્જનપુરા કંપા ખાતે રહેતા ખેડૂતોના ખેતરમાં જઈ તેમની વાસ્તવિક્તા જાણવાનો પ્રયાસ કર્યો છે. સજ્જનપુરા કંપાના ખેડૂતે તેમની જમીનમાં એક વીઘા દીઠ 5 હજારનો ખર્ચ કરી ચણાંના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ પાકમાં સુકારાનો રોગ અને ફૂગ આવતા મોટા ભાગનો પાક ઉભોજ સુકાઈ જતાં ખેડૂતની સારા ઉત્પાદનથી સારું વળતર મેળવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.