ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:અરવલ્લીની 3 બેઠકો પર નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ, જિલ્લામાં કુલ 1062 મતદાન મથકો

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે. ત્યારે તમામ જિલ્લા મથકો પર ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાના મુખ્ય અધિકરીઓના માર્ગદર્શન નીચે તૈયારીઓ શરૂ કરાઇ છે. અરવલ્લી જિલ્લામાં સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ
જિલ્લાના 1062 મતદાન મથકો પરથી 8,29,615 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા તા.03 નવેમ્બર-2022થી જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્‍પલાઇન "સી-વિઝીલ" મોબાઇલ એપથી પણ ફરીયાદ કરી શકાશે. જેમાં 100 મિનિટમાં ફરીયાદનું નિવારણ કરાશે તેમ તેમણે જણાવ્‍યું હતુ.

અરવલ્લી જિલ્‍લાના 3 વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે. જેમાં ભિલોડામાં વિધાનસભા વિસ્‍તારમાં 406, મોડાસામાં 338 અને બાયડમાં 318 મળી કુલ 1062 મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના 4,22,166 પુરૂષ, 4,07,422 સ્‍ત્રી તેમજ 27 અન્ય એમ મળી જિલ્‍લાના કુલ 8,29,615 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.05 ડિસેમ્‍બર-2022ને રોજ કરશે. જેમાં 17,055 મતદારો 80+ ઉંમરના અને 5402 દિવ્યંગો મતદાન કરશે. આ સાથે જ 23,084 યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લામાં 21 સખી મતદાન મથકોમાં મહિલા કર્મચારીઓ કામગીરી કરશે. દરેક વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 1 યુવા કર્મચારી મતદાન મથકની રચના કરાશે. આ સાથે જ દરેક વિધાનસભા દીઠ 1 દિવ્યાંગ સ્ટાફ સંચાલિત અને 1 મોડેલ મતદાન મથક પણ કાર્યરત કરાશે.

જિલ્લા પોલીસ વડા સંજય ખરતે જણાવ્યું કે, જિલ્લાના તમામ સંવેદનશીલ મતદાન મથકો પર પણ શાંતિપૂર્ણ, ભયરહિત અને નિષ્પક્ષ ચુંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયાર છે. બીજા રાજ્યોની સરહદ પર 10 ચેક પોસ્ટ કાર્યરત છે. આંતર જિલ્લામાં 18 જેટલી ચેકપોસ્ટ પણ કાર્યરત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...