ધરપકડ:મોડાસાના ગાજણ ટોલનાકેથી રૂં.74 હજારના દારૂ સાથે ઇકોચાલક ઝબ્બે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાડીની આગળ પાયલોટિંગ કરતો બાઇક ચાલક અને ગાડીમાં બેઠેલા અન્ય શખ્સો પોલીસને જોઇ ભાગી ગયા

મોડાસાના ગાજણ ટોલનાકા પાસેથી એલસીબીએ રૂ. 74400નો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇકોનો પીછો કરી ચાલકને પકડ્યો હતો. જોકે પોલીસની નાકાબંધી જોઈને આગળ પાયલોટિંગ કરી રહેલ બાઇક ચાલક અને ગાડીમાં બેઠેલ અન્ય બે શખ્સો ભાગી છૂટ્યા હતા.

અરવલ્લી એલસીબી મોડાસાના ગાજણ ટોલનાકા ઉપર પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી ઇકો નં. જીજે31 એન 2844માં વિદેશી દારૂ ભરી ગાડી શામળાજીથી મોડાસા તરફ જવાની હોવાનું અને તેની આગળ બાઇક ચાલક પાયલોટિંગ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે ગાજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી.

દરમિયાન પોલીસની નાકાબંધી જોઈ બાઇક અને ઇકો શામળાજી તરફ હંકારી મૂકતા પોલીસે પીછો કરતાં બાઇક ચાલક અને ઈકોમાં બેઠેલા અન્ય શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે ગાડી ચાલક હાર્દિકભાઈ બાલાભાઈ રાઠોડ રહે. દેવનીમોરી તા. ભિલોડાને ઝડપ્યો હતો. પોલીસે ગાડીમાંથી 74હજારનો દારૂ પકડ્યો હતો.

ગાડી સહિત કુલ રૂ. 380400 નો મુદ્દામાલ કબજે લઇ ફરાર હેમંતભાઈ સુરેશભાઈ ડામોર દેવનીમોરી તા. ભિલોડા અને વિજયભાઈ કાંતિભાઈ ગામેતી રહે હિંમતપુરા તા. ભિલોડા અને રાજુભાઈ રણછોડભાઈ પરમાર રહે. ખડોદા તા. મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...