નદીમાંથી નીકળી અંતિમયાત્રા:મોડાસામાં નદીમાં માનવસાંકળ બનાવી પાર્થિવદેહ સ્મશાન સુધી પહોંચાડ્યો; ખભે એક-એક લાકડા પસાર કરી ગ્રામજનોએ માંડ અગ્નિદાહ આપ્યો

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા
  • ગામના રહીશોને સામાન્ય કામો માટે પણ નદીમાં પસાર થઈને જવુ પડે છે

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામે ક્યારેય ના જોયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રામજનોને એક પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા માટે નદીમાંથી પસાર થવુ પડે છે. ગતિશીલ ગુજરાતમાં એક તરફ વિકાસની મોટી-મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ સંપૂર્ણ વિકાસ પાણીમાં ગયો હોય એવુ લાગી રહ્યું છે. દરેક ગામમાં જનતાને પાયાની સુવિધા પ્રાપ્ત થાય એ માટે તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે, પણ જમીની હકીકત કંઈક અલગ છે. એ આ દ્રશ્યો પરથી ફલિત થાય છે.

ગ્રામજનોએ માનવસાંકળ બનાવી લાકડા એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર કર્યા હતા
ગ્રામજનોએ માનવસાંકળ બનાવી લાકડા એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર કર્યા હતા

લાકડા પણ પાણીમાંથી લઈ જવા પડ્યા
ગામમાં એક આધેડના મોત બાદ અંતિમ ક્રિયા માટે માઝૂમ નદીમાં ઉતરીને મૃતદેહને લઈ જવાયો તથા અંતિમ ક્રિયા માટે લાકડા પણ પાણીમાં થઈને લઈ જવા પડ્યાનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે મૃતકને જીવતા તો સુવિધા ના મળી પણ મર્યા પછી પણ મોતનો મલાજો જળવાયો નથી. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીમાં ઉતરી રહ્યા છે. જો નદીનું વહેણ વધતા કોઈ જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ?

પૂલના હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પૂલના હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

રહીશો દ્વારા તાત્કાલીક પુલ બનાવવાની માંગણી
માઝૂમ નદી પર પુલના હોવાના કારણે ચોમાસામાં ના માત્ર મૃતદેહ જ પાણીમાં થઈ ને લઈ જવો પડે છે એ સિવાય નાના બાળકોને અભ્યાસ માટે તકલીફોનો સામનો કરવો પડે છે. આમ જનતાને પોતાના કામકાજ અર્થે જવા માટે પણ નદીમાં ઉતરીને જવું પડે છે. મોદરસુંબા ગામનો તમામ વ્યવહાર મુલોજ ગામ સાથે હોય છે, ત્યારે દરેકને પાણીમાં પસાર થઈને જવું પડે છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે મોદરસુંબાથી મુલોજ વચ્ચે આવતી માઝૂમ નદી પર પુલ બનાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...