મજબૂરી:મોડાસાના અણદાપુરમાં રસ્તાના અભાવે પ્રસૂતાને દોઢ કિમી ચાલી 108 સુધી પહોંચવુ પડ્યું

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે પ્રસૂતા દોઢ કિલોમીટર ચાલી 108 સુધી પહોંચી હતી - Divya Bhaskar
વહેલી સવારે પ્રસૂતા દોઢ કિલોમીટર ચાલી 108 સુધી પહોંચી હતી
  • બાંધકામ વિભાગના અધિકારીઓ ગામમાં દોડી જતાં ગ્રામજનોએ અધિકારીઓનો ઉધડો લીધો

મોડાસાના અણદાપુરમાં આઝાદીના સમયથી ગ્રામજનો અનેકવિધ પાયાની પ્રાથમિક સુવિધાઓ વગર ઝઝૂમી રહ્યા છે. વહેલી સવારે ગામની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં રસ્તાના અભાવે 108 ઘર સુધી ન પહોંચી શકતા તેને અસહ્ય પીડા વચ્ચે દોઢ કિમી ચાલવાની ફરજ પડી હતી. જોકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બાંધકામ વિભાગના અધિકારીઓ ગામમાં દોડી ગયા હતા. જ્યાં ગ્રામજનોએ આ અધિકારીઓનો ઉધડો લીધો હતો

અણદાપુરમાં રવિવારે વહેલી સવારે 4 વાગ્યે મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં 108 ગામની સીમ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ રસ્તાના અભાવે 108 મહિલાના ઘર સુધી પહોંચી ન શકતા મહિલાને અન્ય મહિલાઓની મદદથી દોઢ કિમી સુધી ચાલવાની નોબત આવી હતી. ગામના નાગરિકોએ જણાવ્યું કે ગામમાં બીમારીના સમયે અથવા તો પ્રસૂતિના સમયે રસ્તાના અભાવે ખાનગી વાહન અથવા તો 108 પહોંચી ન શકતા મુખ્ય રસ્તા સુધી દર્દીને પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અગાઉ પાકા રસ્તાની માગ ધારાસભ્યને, ઉચ્ચ અધિકારીઓને કરી હતી.

બે મહિના અગાઉ પણ મહિલા દર્દીનો વિડીયો વાયરલ થયો હતો
ગામની મહિલા દર્દીનો બે મહિના અગાઉ વીડિયો વાયરલ થતાં વહીવટી વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને રસ્તાના મામલે હૈયાધારણા આપી હતી જોકે ત્યાર બાદ પુનઃ મહિલા દર્દી નો વિડીયો વાયરલ થતાં માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું હતું.

વીડિયો વાયરલ થતાં સરકારી બાબુઓ ગામમાં દોડી ગયા
ગામની પ્રસૂતા મહિલાનો વહેલી સવારે અન્ય મહિલાઓની મદદથી સાથે ચાલીને 108 સુધી પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી વિભાગમાં હલચલ મચી ગઈ હતી અને ઘટનાના પગલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. ગામજનોને રસ્તાના મામલે હૈયાધારણા આપી હતી. ગ્રામજનોએ અધિકારીઓનો રસ્તાના મામલે ઉધડો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...