ધારાસભ્ય હોય તો આવા:ચાર-ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હોવા છતાં તેમના પાસે નથી કોઈ મોબાઇલ કે વાહન, આજે પણ કરે છે એસટી બસમાં મુસાફરી

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

આજે રાજકારણમાં કોઈ એક નેતા પાલિકાના સભ્ય કે પંચાયતમાં જો સરપંચ બની જાય તો તે ગાડી નીચે પોતાનો પગ નથી મૂકતા. ત્યારે અમે તમને એક એવા ધારાસભ્યની મુલાકાત કરાવીશું, જેઓ ચાર-ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હોવા છતાં આજે પણ એક છેવાડાના ગામમાં ખેતરમાં બનાવેલા એક મકાનમાં પોતાનું જીવનનિર્વાહ કરે છે. તેઓ પોતાનાં તમામ કામ જાતે જ કરે છે અને આજે સત્તા નથી તેમ છતાં ST બસમાં મુસાફરી કરી એક ગામથી બીજા ગામ પગે ચાલીને લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે જાય છે.

18 વર્ષની ઉંમરે થઈ રાજકીય કારકિર્દીની શરૂઆત
આઝાદિના વર્ષે એટલે કે ઈ.સ.1947 માં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામના એક સામાન્ય પરિવારમાં રામસિંહ સોલંકીનો જન્મ થયો. જેમને પોતાનું આખું જીવન લોકોની સેવા માટે ખપાવી નાખ્યું. તેમની સેવાની સુવાસ આજુબાજુના વિસ્તારમાં એટલી ફેલાણી કે લોકોએ તેમને છેક ઘારાસભ્યના પદ સુધી પહોંચાડ્યા. તેમની લોકચાહનાના કારણે ઈ.સ. 1980 માં કોંગ્રેસમાંથી ટિકિટ મળી અને તેઓ ચૂંટણી લડ્યાં. આ ચૂંટણીમાં રામસિંહ સોલંકીએ બહુમતીથી જીત મેળવી અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. બાયડ મતવિસ્તારના વિકાસનાં કામોની વિધાનસભામાં સચોટ રીતે રજૂઆત કરી અને ગામડાંમાં પાકા રસ્તા, ખેતી માટે વીજળી, પીવાના પાણીના પ્રશ્નો હલ કરતા ગયા. વિસ્તાર ખૂબ લાંબો હતો અને અનેક પ્રશ્નો હતા, એમ કરતાં કરતાં એક ટર્મ પૂરી કરી. બીજી ટર્મમાં પક્ષે તેમને ટિકિટ ન આપી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાયડ વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યુ.

ચૂંટણી લડવા ડિપોઝિટ પણ મતદારોએ ભરી
રામસિંહ સોલંકીને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ન મળતા લોકો તેમના સમર્થનમાં આગળ આવ્યાં અને ચૂંટણી લડવાનું કહ્યું. જેથી તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નીર્ધાર કર્યો. તેમની આ ચૂંટણીની લડતમાં મજાની વાત તો એ છે કે રામસિંહની ચૂંટણીની ડિપોઝિટ પણ મતદારોએ ભરી હતી. આખા મતવિસ્તારમાં કોઈને પણ ચા-પાણી કે અન્ય કોઈ વ્યવહાર કર્યા વગર મતવિસ્તારમાં પ્રચારકાર્ય શરૂ કર્યું હતું. પગે ચાલીને પોતાનું કર્તવ્ય નિભાવતા રહ્યા અને તેઓ લોકોના મનમાં વસી ગયા હતા. આમ, કોઈપણ જાતના ખર્ચ વગર અપક્ષ ઉમેદવાર તરીકે બીજી ટર્મમાં બાયડના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પછી પક્ષે ટિકિટ આપી અને બીજી બે ટર્મ વિજયી બન્યા હતા. આમ, ચાર-ચાર વખત રામસિંહ સોલંકી ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી. છેલ્લે 2007માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને પ્રજાકીય લોકસેવાનાં કાર્યો કરી મતદારોનાં દિલમાં છવાઈ ગયા હતા. તેઓ કુલ 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. એમાં ચાર વખત વિજયી બન્યા અને ત્રણ વખત પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આજે રામસિંહ ધારાસભ્ય નથી, તો પણ મતદારોનાં કામકાજ માટે તાલુકા જિલ્લા સ્તરે અને જરૂર પડે તો ગાંધીનગર સુધી ST બસમાં જઈ મતદારોનાં કામ કરે છે.

દરરોજ 2 કિલોમીટર ચાલી મંદિરે જઈ દર્શન કરીને જ અન્ય કામની શરૂઆત કરે છે.
દરરોજ 2 કિલોમીટર ચાલી મંદિરે જઈ દર્શન કરીને જ અન્ય કામની શરૂઆત કરે છે.

રામસિંહ સોલંકીનો શરૂઆતી સંઘર્ષ કેવું રહ્યું
પિતા રૂપસિંહ સોલંકી ખેતીનો વ્યવસાય કરતા હતા, એટલે પિતાને ખેતીના કામમાં મદદ કરતાં કરતાં ધોરણ 9 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. બાદમાં SSCની પરીક્ષા આપી હતી, પરંતુ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ શક્યા નહીં. ત્યારબાદ ગરીબીને કારણે વધુ અભ્યાસ કરવાનું માંડી વાળી પિતાજીને ખેતીકામમાં મદદ કરવાની સાથે સાથે સમાજસેવા શરૂ કરી હતી. નાની ઉંમરે જ કોઈ માટે કઈક કરી છુટવાની ભાવના તેમનામાં રહેલી હતી. જેથી મતાધિકાર પ્રાપ્ત થતાંની સાથે 1965માં માત્ર 18 વર્ષની ઉંમરે ગામ લોકોએ તેમની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઇ રામસિંહને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા. 5 વર્ષ ગ્રામ પંચાયતમાં કુશળ વહીવટને કારણે બીજી ટર્મમાં પણ ગામલોકોએ તેમને સરપંચ તરીકે નિયુક્ત કર્યા. બે ટર્મ સુધી સરપંચ રહ્યાં બાદ તેઓએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યુ.

"મતદારોને સંતોષ થાય એ રીતે તેમનાં કામો કર્યા."
"મતદારોને સંતોષ થાય એ રીતે તેમનાં કામો કર્યા."

ધારાસભ્યની સત્તા છોડ્યા બાદ રામસિંહનું જીવન
તેમનું સાદગીભર્યું જીવન અત્યારના વૈભવી ધારાસભ્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય પ્રજાજનોની સેવા કરતાં કરતાં પોતે પણ વૈભવી બને છે. ત્યારે આમોદરા ગામના રહીશ, જેઓ એક નહીં, પણ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવા છતાં આજે પણ એકદમ સાદગીભર્યું જીવન વિતાવી રહ્યા છે. રામસિંહ સોલંકી હાલ ઉંમરલાયક થયા છે, તેમ છતાં બાયડની જનતાના પ્રાણ પ્રશ્નો માટે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કામકાજ માટે તેમની પાસે જાય તો એ વ્યક્તિ સાથે એમના જ વ્હીકલ પર પ્રશ્નના નીરાકરણ માટે તેમની સાથે જાય છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને લાગતા પ્રાણ પ્રશ્નો જેવા કે કેનાલમાં પાણી છોડાવવું, ખેડૂતોના પાક વીમાના કામકાજો, વિધવા પેંશન, બીપીએલ લાભાર્થી હોય એમને આવાસ યોજનાના લાભો અપાવવા વગેરે કામકાજ માટે આજે પણ કાર્યરત છે. આમ, એકદમ સાદગીભર્યું જીવન જીવી સતત પ્રજાજનોની સેવા છેલ્લા શ્વાસ સુધી પણ ચાલુ રાખવાની નેમ સાથે આજે પણ તેઓ સક્રિય સેવાકાર્ય બજાવી રહ્યા છે.

તેમનું સ્વાશ્રયી જીવન લોકો માટે આદર્શ સમાન
રામસિંહને બે દીકરા અને એક દીકરી છે. બંને દીકરા પણ ખેતીવાડીના વ્યવસાયમાં જોતરાયેલા છે. પોતે ગામથી 2 કિલોમીટર દૂર ખેતરમાં બનાવેલા એક સામાન્ય મકાનમાં રહે છે. દરરોજ ખેતરેથી બે કિલોમીટર દૂર બોરડી ગામે આવેલા શિવ મંદિરે પગે ચાલીને સેવા કરવા જાય છે. શિવજીને ચડાવવા માટેનું જળ પણ પોતે જ હેન્ડ પમ્પથી ભરી લાવી ભગવાનને જળાભિષેક કરે છે અને તમામ જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. ત્યાર બાદ ઘરે આવ્યા પછી જ ચા-પાણી કરે છે. પોતાનાં વસ્ત્રો પણ જાતે જ ધોવે છે. આમ, સ્વાશ્રયી જીવન જીવતા રામસિંહ પોતે પોતાના મતવિસ્તારના જ નહીં, પણ સમગ્ર ગુજરાતના વિધાનસભાના સભ્ય હોય એ રીતે કામગીરી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

સ્વાશ્રયી જીવન લોકો માટે આદર્શ.
સ્વાશ્રયી જીવન લોકો માટે આદર્શ.

'મતદારોને સંતોષ થાય એ રીતે તેમનાં કામો કર્યા'
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રામસિંહ સોંલકીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે મેં જે કામ કર્યું એ માનવતાની દષ્ટિએ કર્યું છે. ભગવાનનો ડર રાખીને એકોએક મતદારનું કામ થાય અને તેમને સંતોષ થાય એ રીતે તેમના કામમાં મદદ કરી. મેં ક્યારેય પણ કોઈ દિવસે કોઈ જોડે આશા કે અપેક્ષા રાખી નથી. ભલે તે વ્યક્તિ મને મતદાનમાં મદદ કરે કે ના કરે, મારી જોડે કોઈ વ્યક્તિ કામ લઈને આવે એટલે હું એ યાદ ના કરાવું કે તું મારી જોડે હતો કે નહીં. અત્યારના ધારાસભ્ય જોડે કોઈ કામ લઈને તમે જાઓ તો તમને પૂછવામાં આવે કે તમે કયા પક્ષના છો, તમે ક્યાંથી આવો છો, તમે મને મતદાનમાં મદદ કરી હતી કે નહીં. જ્યારે મેં કોઈપણ વ્યક્તિ જોડેથી પાણી પીવાની પણ આશા રાખ્યા વિના એકોએક પરિવારના લોકોનાં કામ કરવામાં મદદ કરી હતી. હું પ્રામાણિકપણે અને ભગવાનનો ડર રાખીને જીવન જીવું છું. ભગવાન મને જેટલું આયુષ્ય આપે એમાં હું એકોએક પરિવારના, એકોએક સમાજના, એકોએક વિચારની કોઈપણ વ્યક્તિની જોડે ભેદભાવ રાખ્યો નથી અને રાખવાનો પણ નથી.

અન્ય સમાચારો પણ છે...