ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પાલન કરવાનું કામ પોલીસનું છે. પરંતુ પોલીસ પોતે જ દારૂની હેરાફેરી કરે તો શું કહેવું? આવી જ એક ઘટના મેઘરજ નગરમાં બની છે. મેઘરજના માલપુર રોડ પર એક કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની કાર પુરપાટ ઝડપે જતી હતી. કારની ઓવરસ્પીડના કારણે ટાયર ફાટી ગયા હતા. બાદમાં કારનું બેલેન્સ જતાં બાઇક લઈને જતા ચાલકને કારે અડફેટે લીધો હતો. બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
ઘાયલના પિતાનો આક્ષેપ- કારમાં પોલીસ કર્મચારી હતો
આ કાર બાઇકને ટક્કર મારી પંચાલ રોડ પર એક દુકાન આગળ ઊભી રહી હતી. ત્યાંના સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ કાળા કાચ વાળી નંબર વગરની કાર પાસે અન્ય એક કાર આવે છે. આ કારમાંથી દારૂની પેટીઓ બીજી કારમાં ટ્રાન્સફર થાય છે. ત્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર બાઈક ચાલકના પિતા આક્ષેપ કરી રહ્યા છે કે આ દારૂવાળી કાર લઈને જનાર પોલીસ કર્મચારી જ હતા. તેઓએ જ ટક્કર મારી અને બીજી કારમાં દારૂ ટ્રાન્સફર કર્યો છે.
રક્ષક પોતે જ ભક્ષક બન્યા
આમ રક્ષક પોતે જ ભક્ષક બન્યા છે. દારૂ પકડાનાર પોલીસ જ પોતે દારૂની હેરાફેરી કરતી જોવા મળી છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે. સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડા સીસીટીવીની ખરાઈ કરી પોલીસ કર્મીઓ ને સજા કરશે કે નહીં? તે જોવાનું રહેશે. તેના પર સૌની નજર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.