મોડાસાના સરડોઈ વિસ્તારમાં બુકાનીધારી તસ્કર ટોળકી સક્રિય થતાં લોકોમાં ભય ફેલાયો છે. સરડોઈ ડુંગરની તળેટીના રહેણાંક રાજપૂત ફળી, નાયક ફળી, પંચાલફળી, ભરવાડવાસ, ઈન્દીરાનગર વિસ્તારમાં રાત્રીના બાર થી ત્રણ વાગ્યાના સુમારે આ બુકાનીધારી ટોળકીના સાગરીતો ઘરો ઉપર પથ્થરો નાખે છે. રહેણાંક વાળા મકાનોના પાછળના ભાગે પાકા કોટવાળા વરંડાઓમાં ઉતરી ચોરી કરવાના બે ત્રણ વખત પ્રયાસ કર્યા હતા. પરંતુ લોકો જાગી જતાં અંધારામાં અવાવરું જગ્યાએ નાસી ગયા હતા. કેટલીક વખત ઘરોના આગળપાછળ ના ભાગે વાસણ અને રાચરચીલું ચોરવાના બનાવો પણ બન્યા છે.
છેલ્લા દસ દિવસથી બુકાનીધારીઓ રાત્રિના સમયે દેખા દેતાં લોકોની ઊંઘ હરામ થઈ ગયેલ છે. સરડોઈ ગામના સરપંચ ઉષાબા જયદત્તસિંહ પુવાર અને પૂર્વ સરપંચ જયદત્તસિંહ આર. પુવારના જણાવ્યા મુજબ સરડોઈ ચામુંડા મંદિર તેમજ ટીંટીસર -સજાપુર ગામમાં થયેલ ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે આ બુકાનીધારી ટોળકી પુનઃ સક્રિય થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવી લોકમાંગ ઉઠી છે. જૂના પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ઈન્દીરાનગર ના છેવાડાના વિસ્તારને નિશાન બનાવી ચોરીના પ્રયાસ કરતાં લોકો ત્રસ્તતા અનુભવે છે. આ વિસ્તારમાં પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવાય તેવી લોકમાંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.