નિર્ણય:મોડાસાના 50 વીસીઇની માંગો ન સંતોષાતાં મગફળી રજિસ્ટ્રેશન કરવાનો બહિષ્કાર કર્યો

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના મેઢાસણ ટેકરી મહાદેવના મંદિરે તાલુકાના વીસીઈ મંડળની મળેલી બેઠકમાં નિર્ણય
  • અરવલ્લી જિલ્લાના વીસીઇ પડતર માંગણીઓના પ્રશ્ને છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે

અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વીસીઇ પડતર માગણીઓના પ્રશ્ને છેલ્લે 15 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. જેના ભાગરૂપે મોડાસા તાલુકા અને ગામ પંચાયતોમાં કામગીરી કરતા 50 જેટલા વીસીઇની મેઢાસણ પાસેના ટેકરી મહાદેવના મંદિર ખાતે બેઠક મળી હતી જેમાં આગામી સમયમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની થનારી ખરીદી ના રજિસ્ટ્રેશન પડતર માંગણીના પ્રશ્નનો બહિષ્કાર કરાયો હતો.

આ અંગે મોડાસા તાલુકા વીસીઈ મંડળના પ્રમુખ યોગેશભાઈ પટેલે જણાવ્યું કે જ્યાં સુધી પડતર માગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મોડાસા તાલુકાના તમામ વીસીઇની હડતાળ યથાવત રાખવામાં આવી છે.

મોડાસા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ કેન્દ્રમાં કામગીરી કરતાં વીસીઈ છેલ્લા 15 દિવસથી પડતર માગણીઓના પ્રશ્ને હડતાળ ઉપર ઉતરી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. વીસીઈ કમિશન પ્રથા બંધ કરી ફિક્સ પગાર આપવા માટે અને કાયમી ધોરણે કર્મચારી તરીકે માગણી કરી રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી સરકાર સાથે વાટાઘાટો થયા બાદ પણ યોગ્ય નિરાકરણ ન આવતાં જિલ્લાના વીસીઇ મંડળ દ્વારા હડતાળ યથાવત રખાતાં ઈ ગ્રામ પંચાયતોના ઈ ગ્રામ કેન્દ્ર ખાતે ખેડૂતોની સહાય માટે કરાતી ઓનલાઈન અરજીઓની કામગીરી તેમજ લાઈટ બિલ અને સરકારની અન્ય યોજનાઓમાં ગામજનો સમયસર અરજી ન કરી શકતા સરકારના લાભોથી વંચિત રહેતા હોવાની બૂમ ઉઠી છે.

પડતર માગણીઓના પ્રશ્ને મોડાસા તાલુકાના વીસીઈ મંડળના પ્રમુખ યોગેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ અને મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ મહામંત્રી રાઠોડ કલ્પેશભાઈ અને સોલંકી પ્રવિણભાઈ તેમજ સેક્રેટરી ભરવાડ ભલાભાઇની આગેવાનીમા મોડાસાના મેઢાસણ પાસેના ટેકરી મહાદેવના મંદિર ખાતે વીસીઈની ખાસ બેઠક મળી હતી.

જેમાં તેમની પડતર માગણી ના પ્રશ્ન આગામી સમયમાં મોડાસા તાલુકામાં ટેકાના ભાવે શરૂ થનારી મગફળીની ખરીદી ના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરાયો હતો. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પડતર માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાળ યથાવત રાખી આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...