વિધાનસભાની ચૂંટણી પુરી થઈ, ઉમેદવારોનું હાર જીત પણ પૂરું થયું, ત્યારે જીતેલા ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં વિજય સરઘસ દ્વારા મતદારોનું અભિવાદન અને આભાર દર્શન કરતા હોય છે. ત્યારે આજે પરિણામના બીજા દિવસે ભિલોડા બેઠકના વિજેતા ઉમેદવાર પી.સી. બરંડાની ભિલોડા ખાતે ભવ્ય વિજય રેલી યોજાઈ હતી.
ભિલોડા બેઠક પર પરિવર્તનના સુર રેલાયા
ભિલોડા વિધાનસભા બેઠક છેલ્લી ચાર ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ આવે છે. આ બેઠક આદિવાસી રિઝર્વ છે. જેથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ બેઠક માટે ગત ટર્મમાં ભિલોડાના વાંકાટીંબાના વતની અને છોટા ઉદેપુર ખાતે ડીએસપી તરીકે ફરજ બજાવતા આઇપીએસ પી.સી. બરંડાએ પોતાની ફરજ પરથી રાજીનામું આપી ભાજપમાંથી ચૂંટણી લડ્યા. જો કે કોંગ્રેસના ઉમેદવાર ડો. અનિલ જોષીયરા સામે તેમનો પરાજય થયો હતો. 2017થી 2022 સુધી ભિલોડા મેઘરજ મત વિસ્તારમાં સતત સંપર્કમાં રહેલા પી.સી. બરંડાને ફરીથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા અને વર્ષો જુના કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી 30 હજાર મતથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. આ બેઠક પર મતદારોએ ભાજપનો ભગવો લહેરાતા પરિવર્તનના સુર રેલાયા અને કોંગ્રેસ સામે ભાજપ સફળ રહ્યું છે.
જીતનો શ્રેય ભિલોડા મેઘરજના કાર્યકરોને આપ્યો
આજે ભિલોડા બેઠકના વિજેતા ઉમેદવાર પી.સી. બરંડાનું ભિલોડા નગરમાં વિજય યાત્રા યોજાઈ હતી. ભિલોડાના ધોળવાણી ત્રણ રસ્તા પર આવેલા ભગવાન બિરસા મુંડાના સ્મારકને પુષ્પમાળા અર્પણ કરી વિજયયાત્રા ભિલોડા ભાજપ કાર્યાલય પહોંચી હતી. જ્યાં મતદારો અને સમર્થકોનું અભિવાદન જિલતા ભિલોડા નગરમાં પહોંચી અને પી.સી. બરંડાએ સૌ મતદારો કાર્યકરોનો આભાર માન્યો હતો. આ જીતનો શ્રેય ભિલોડા મેઘરજના કાર્યકરોને આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.