ખુલ્લી ગટરો વાહન ચાલકો માટે જોખમરૂપ:માલપુરના રુઘનાથપુર રોડ પર નાના બાળક સાથે જઇ રહેલા બાઇક ચાલક ગટરમાં ખાબક્યો, લોકોએ બચાવ્યો, દોરડા વડે બાઈકને બાઈકને બહાર કાઠી

અરવલ્લી (મોડાસા)24 દિવસ પહેલા

વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો કરવામાં આવે છે, પણ આ કામોમાં રાખવામાં આવતી બેદરકારી કેટલીક વખત મોટી આફત નોતરી શકે છે. ત્યારે માલપુરના રૂઘનાથ પુર રોડ પર ખુલ્લી ગટરોના કારણે અકસ્માત સર્જાયો હતો.

માલપુર નગરના રૂઘનાથપુર રોડ પર રહેઠાણ અને શાળા વિસ્તારોમાં રસ્તાની બાજુમાં ગટરો આવેલી છે. આ ગટરોમાં આખા ગામનું વેસ્ટ પાણી આ ગટરોમાં થઈને જાય છે. ત્યારે આ રસ્તો પણ સાંકડો છે અને બાજુમાં ગટરો પણ ખુલ્લી છે. જેના કારણે આસપાસના રહેઠાણ અને શાળામાં ગટરની દુર્ગંધ આવે છે. જે વિદ્યાર્થીઓ અને રહીશોના આરોગ્ય માટે જોખમી છે. ખાસ તો વાહન ચાલકો માટે પણ જોખમી છે. ત્યારે આજે એક બાઇક સવાર નાના બાળક સાથે આ રસ્તે પસાર થતો હતો. ત્યારે સાંકડો રસ્તો અને ખુલ્લી ગટરના કારણે બાળક અને બાઇક સાથે યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. જો કે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને ગટરમાં પડેલા બાઇક સવાર અને બાળકને બહાર કાઢતા બંને બચી જવા પામ્યા હતા અને બાઇકને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે.

માલપુરના રૂઘનાથ પુર રોડ પર બાઇક ખુલ્લી ગટરમાં ખાબકવાની આ ઘટના પહેલી નથી. આ અગાઉ પણ એક બાઇક સવાર આજ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. એ વખતે પણ તંત્રમાં જાગૃત નાગરિકે જાણ કરી હતી. પરંતુ તંત્રના બહેરા કાને આ જોખમી ગટરની સમસ્યા સંભળાતી નથી. શું હજુ કોઈ મોટી હોનારત અને જાનહાની થવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે ?

અન્ય સમાચારો પણ છે...