ગુજરાતનું એકમાત્ર ભૂત મંદિર અરવલ્લીમાં:બાબરા મહારાજ ખેડૂતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે; ખેતરમાં પાકેલું ધાન્ય પહેલા ભૂતને મુકાય પછીજ ઉપયોગમાં લેવાય

અરવલ્લી (મોડાસા)14 દિવસ પહેલા

આમ તો ભૂત એ એક જાતનો ભ્રમ છે. તેવું મનોચિકિત્સકો કહે છે. જ્યારે અંધ શ્રધ્ધામાં માનનારા લોકો આજે પણ ભૂતના નામથી ડરતા હોય છે તથા ભૂતના ખોટા વહેમથી ભૂવાઓ પાસે જતા હોય છે. એક સજ્જન ખેડૂતના ખેતરમાં એક હિંગળાનું ઝાડ આવેલુ છે. તે હિંગળાના ઝાડમાં વર્ષોથી બાબરીયો ભૂત રહે છે તેવી માન્યતા છે. ગામના વડીલોનું કહેવુ છે કે, આ બાબરિયા ભૂતના સ્થાનકની આજુ બાજુના તમામ વિસ્તારનું બાબરિયા મહારાજ રક્ષણ કરે છે. ખેતરમાં પાકેલા અનાજમાંથી થોડુક અનાજ પ્રથમ બાબરિયા ભૂતના ગોખ આગળ મુકવું પડે છે. પછી જ અનાજ ખેડૂત પોતાના ઘેર લઇ જાય છે. જો આ અનાજ ગોખ આગળ મુકવાનું ભૂલી જાય કે ના મુકે તેનું અનાજ ઘેર પહોંચે તે પહેલા તેને કોઈને કોઈ ચમત્કાર થાય છે તેવું ગામ લોકોનું કહેવું છે.

વર્ષોથી એવું કહેવાય છે કે, કોઈ પણ માણસ કોઈપણ મુશ્કેલીમાં હોય કે કોઈ પણ કામમાટે બાબરિયા ભૂતની બાધા-આખડી રાખે તો તેના તમામ કામ પૂર્ણ થાય છે. લીંભોઈ ગામના પંચાલ પરિવારના એક ભગત આ બાબરિયા ભૂત દેવની સેવા પૂજા કરતા હતા. ત્યાર પછી તેમના દીકરા સોમાભાઈ મહારાજની સેવાનું કામ સંભાળે છે. ત્યારે તેમને એક વાર એવું સ્વપ્ન આવેલું કે, બાબરિયા મહારાજના ગોખના સ્થાને મંદિર બનાવી સ્થાપના કરો ત્યાર પછી સોમાભાઈએ ખેતર માલિકને તેમના સ્વપ્નની વાત કહી સોમાભાઈની વાત સાંભળી ખેતર માલિકે તરતજ મંદિર બનાવવા જમીન આપવા માટે સંમતિ આપી.

પંચાલ પરિવાર તથા ગામના શ્રધ્ધાળુઓ સાથે મળી બાબરિયા ભૂતનું મંદિર બનાવ્યું તથા તેમાં બાબરિયા ભૂત દેવની છબી મૂકી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. આમ જે શબ્દથી ભયનું વાતાવરણ ઉભું થાય તેવા ભૂત દેવનું મંદિર બનાવી લીંભોઈ ગામના લોકો ખુબ શ્રદ્ધાથી પૂજન અર્ચન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે એવું કહી શકાય કે અખૂટ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર રહેતી નથી. આવા બાબરિયા ભૂત દેવનો મહિમા આ વિસ્તારમાં અપાર છે.

આ જે મંદિર બનાવવામાં આવ્યું છે. તે વર્ષોથી બાપદાદા વખતથી પૂજાતું આવ્યું છે. પહેલા નાની ડેરી હતી અત્યારે મંદિર બનાવવામાં આવ્યું છે. આજુબાજુના ખેતરમાં જે પાક પાકે તેમાં પહેલા મહારાજને પ્રસાદ ધરાવવામાં આવે છે, પછી એ ઘેર લઇ જાય છે એટલો એનો મહિમા છે. અહીંથી કોઈ ચીજ જે માણસ લઈને નીકળે છે તેને અહી પહેલા આપવીજ પડે છે. દરેકમાં કામ થાય છે દરેકની બાધા અહી સફળ થાય છે.

અન્ય સમાચારો પણ છે...