સરકાર દ્વારા જળ સંગ્રહ માટે તળાવો ચેકડેમ ખેત તલાવડી બનાવતી હોય છે. જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ઉનાળાના સમયે ભૂગર્ભ જળ સ્તર જળવાઈ રહે ત્યારે તંત્રની બેદરકારીના કારણે ખોદેલા તળાવો ખરા સમયે ભરી શકાતા નથી અને ખેડૂતો અને પશુપાલકોને પાણી વગર રહેવું પડે છે.
મેઘરાજ તાલુકાની ઉત્તરે આવેલા રેલ્લાવાડા, ઇસરી, નવાગામ, કુનોલ, શણગાલ વગેરે ગામોમાં 20 જેટલા તળાવો અછતના કામોમાં શ્રમિકો દ્વારા ખોદવામાં આવ્યા હતા. જે તે સમયે અછતના કામોને ન્યાય મળ્યો પણ આ ખોદેલા તળાવો વરસાદ સિવાય સરકારના સિંચાઈ વિભાગની કોઈ યોજના દ્વારા ભરી શકાય તે માટેનું કોઈ આયોજન કર્યું ના હતું. ત્યારે હાલ ઉનાળાની શરૂઆતમાં જ ભૂગર્ભ જળ સ્તર બિલકુલ નીચે જતા રહ્યા છે. ત્યારે સરકારના સીંચાઇ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે તળાવો ભરવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વિસ્તારના 20 તળાવોને આ યોજનાનો લાભ મળી શકે એમ નથી.
જે તે સમયે જ્યારે અછતના કામો શરૂ કર્યા ત્યારે આ 20 તળાવો ગૌચરની જમીનમાં ખોદયાં હતા અને ત્યારબાદ તંત્રએ રેવન્યુ રજીસ્ટર કરાવ્યા ના હતા. જેથી હાલ પણ આ તળાવોના સ્થાને ગૌચર બોલે છે. ગામના રેવન્યુ રાહે આ તળાવો નિમ ના થાય ત્યાં સુધી ભરી ના શકાય, તેથી સિંચાઈ વિભાગની તળાવો ભરવાની યોજનાનો લાભ મળતો નથી.
ગ્રામજનોએ ગાંધીનગર રજુઆત કરી અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ મેઘરજ મામલતદારને નિમ કરવા આદેશ કર્યા છતાં સ્થાનિક કક્ષાએ આ તળાવો હજુ ગૌચર જ બોલે છે. જેથી ઉનાળામાં ખેતી અને પશુપાલનમાં ખૂબ જ હાલાકી વેઠવી પડે છે. જેથી આ તળાવો નિમ કરી ભરવામાં આવે એવી ખેડૂતોની માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.