સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થતી હોય છે અને ખેતરોમાં પણ મહત્ત્વના પાકો આજ સિઝનમાં તૈયાર થાય છે. એવામાં જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ થાય છે.
હવામાન વિભાગે 4થી 6 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના માલપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે ખેતીવાડીને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
હાલ ખેતરમાં ઘઉં, ચણા, કપાસ, બટાકા અને તડબૂચનો પાક તૈયાર પડ્યો છે. ત્યારે આ પાકને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ ખેડૂતે ખેતરમાં મહા મહેનતે મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી સારી માવજત કરી પાક તૈયાર કર્યો અને બસ હવે પાક લેવાની તૈયારી છે, ત્યાં અચાનક જાણે કુદરત પણ રાજી ના હોય એમ ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે.
આમ, ખેડૂતને માથે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ સર્જાયો છે. બદલાતા હવામાનના કારણે તાવ શરદી અને ઉધરસ જેવા રોગોને પણ આમંત્રણ મળે છે. આમ કમોસમી વરસાદથી ખેતી સહિત રોગચાળાનો પણ ભય રહેલો છે. ત્યારે હજુ પણ આગામી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.