• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Village In Aravalli Where Holi Is Celebrated On The Day Of Dhuleti, 10 Thousand People Gather Together To Celebrate With Drums And Sticks In The Presence Of The Collector.

બાઠીવાડાની અનોખી ધુળેટી:અરવલ્લીનું એવું ગામ જ્યાં ધુળેટીના દિવસે હોળી ઉજવાય છે, 10 હજાર લોકો એકઠાં થઈ કલેક્ટરની હાજરીમાં ઢોલ-લાઠી સાથે ઉજવણી કરે છે

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા

સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં પરંપરાગત ધુળેટીના દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવાય છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે બક્ષીપંચ સમાજના લોકો રહે છે. એક જ ગામના કુલ બાર મુવાડા (વસવાટ) છે. જેમાં દસથી બાર હજારની વસતિ રહે છે. આ ગામે દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે. હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે.

'દિવાળી અઠે-કઠે પણ હોળી તો માદરે વતન જ'
સમાજમાં કહેવત છે કે, 'દિવાળી અઠે-કઠે પણ હોળી તો માદરે વતન જ'. તે મુજબ બારેબાર મુવાડાના લગભગ દસથી બાર હજારની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલ-ત્રાંસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે. સમાજના મુખી રૂઢિગત રિવાજ પ્રમાણે હોળીની ખાધ કરતા કરે છે. ખાધનો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે.

બાઠીવાડાનો ઠાકોર સમાજ ધુળેટીએ હોળી મનાવે છે
તમામ મુવાડાના લોકો અલગ-અલગ ગ્રુપ બનાવી સમુહમાં મહિલાઓ સહિત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ રમે છે. ત્યારબાદ ગણતરીની દસ જ મિનીટમાં સ્તંભની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે. ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના ચાર કાકડા તૈયાર કરે છે. આગેવાનો સળગતા કાકડા હાથમાં લઈ ખુબ જ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે. હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ- પાણીનો લોટો રાખી સામુહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છૂટા હાથે શ્રીફળની સામૂહિક આહુતિ આપતા હોય છે. આમ પરંપરાગત રીતે પોતાના ભાતીગળ ગણવેશમાં સજ્જ થઇ બાઠીવાડાનો ઠાકોર સમાજ ધુળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે.

ખેતી માટે આવનારું વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે
હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોત પોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે. ત્યારબાદ આજ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું તે જગાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઇ હોળીને ટાઢી પાડે છે. હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી વરતારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...