પાણી પુરી વાળાનો દીકરો NEETમાં ઝળક્યો:મેઘરજમાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીએ વગર ક્લાસે NEETની પરીક્ષા આપી 700 માંથી 632 માર્ક્સ મેળવ્યાં

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા

સામાન્ય રીતે સારી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરવી હોય તો પૈસાદાર કુંટુંબમાં જન્મ લેવો પડે એવું કહેવાતું આવ્યું છે. પરંતુ મેઘરજના એક શ્રમિક વિદ્યાર્થીએ સાબિત કરી બતાવ્યું છે કે, એક ગરીબ પરિસ્થિતિમાં પણ એક લક્ષ બનાવીને અભ્યાસ કરીએ તો ચોક્કસ સિદ્ધિ હાસલ કરી શકાય છે.

અભ્યાસ સાથે પિતાના વ્યવસાયમાં પણ મદદરૂપ થતો
​​​​​​​
આ વાત છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા મેઘરજ નગરની ઉત્તરપ્રદેશથી પાણી પુરીનો વ્યવસાય કરવા મેઘરજ આવેલા રામસિંહ ખૂબ સામાન્ય સ્થિતિમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શરૂઆતમાં અલ્પેશ બિલકુલ નાનો હતો પણ અભ્યાસ પ્રત્યે બહુ રુચિ હતી અને ખૂબ હોશિયાર હતો. અભ્યાસ દરમિયાન પિતાના પાણી પુરીના વ્યવસાયમાં મદદ પણ કરતો અને સાથે ભણતો પણ ખરો. અલ્પેશ ધોરણ દસમાં સારા માર્ક્સ સાથે પાસ થતા તેને વધુ અભ્યાસ માટે સાયન્સ લેવાનું પસંદ કર્યું.

પ્રથમ વાર જોઈએ એવા માર્ક્સ ન આવ્યા
​​​​​​​
ધોરણ 11 અને 12 માટે મોડાસાની સ્કૂલમાં ગયો અને 12 સાયન્સના બી ગ્રુપમાં 92 ટકા સાથે પાસ થયો. એટલે NEETની પરીક્ષા આપવી પડે NEETના કલાસ કરવા બહુ મોંઘા પડે જેથી અલ્પેશે મન દઈને ઘરે જ પરીક્ષાની તૈયારી કરી પણ નિટમાં જોઈએ એવા માર્ક્સ ન આવ્યા. પણ એથી એ નાસીપાસ ન થયો અને ફરીથી નિટની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. બીજી વાર તનતોડ મહેનત કરીને પરીક્ષા આપી અને 700 માંથી 632 માર્ક્સ મેળવી લાવ્યો. જેથી અલ્પેશના જીવનમાં જાણે એક નવી રોશની આવી હોય એટલો આનંદ છવાયો હતો. હવે પાણી પુરી વાળાનો દીકરો સરકારી મેડિકલ કોલેજમાં પિતાની આગવી સ્કિલથી ડોક્ટર બનશે અને એણે સાબિત કરી બતાવ્યું કે એક પાણી પુરીનો વ્યવસાય કરનાર સામાન્ય પરિસ્થિતિનો વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...