નેપાળ બોર્ડરથી વાયા જયપુર ઉદેપુર શામળાજી થઈને મુંબઈ તરફ જઈ રહેલી ખેરા ટ્રાવેલ્સના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતા સ્લીપર કોચમાં મુસાફરી કરતો નેપાળનો યુવાન નીચે પટકાતાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે મૃતકના ભાઇએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નેપાળ બોર્ડરથી તા. 3 જૂન રાત્રે 9:00 વાગે ખેરા ટ્રાવેલ્સ નંબર યુપી 31 ટી 5757 મુંબઈ જવા નીકળી હતી. આ ટ્રાવેલ્સ આગરા જયપુર ઉદયપુર અને શામળાજી થઈ મુંબઈ તરફ જઈ રહી હતી. દરમિયાન તા. 5 જૂનની રાત્રે અઢી કલાકે ટ્રાવેલ્સ શામળાજી થી મોડાસા તરફ આવી રહી હતી.
દરમિયાન ચાલકે પોતાના કબજાના વાહનને ગફલતભરી રીતે હંકારતાં ટ્રાવેલ્સમાં નેપાળ બોર્ડરથી બેસીને સ્લીપર કોચમાં મુસાફરી કરી રહેલો જયલાલ ડબલ્સ શાહની રહે. કોલટી ઉઢી નંદાબાજુરા નેપાળ હાલ રહે. મુલુંડ મુંબઈ ખેરંચા પાસે સ્લીપર કોચ પરથી નીચે પટકાતાં તેને 108 દ્વારા સારવાર માટે મોડાસા ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના ભાઇ રંગમલ ડબલ્સ સાહનીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.