અરવલ્લી જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં નાણાં ધીરધારના લાયસન્સ વગર તગડું વ્યાજ વસૂલ કરનારા લોકો સામે તવાઈ શરૂ કરાઇ છે. તગડું વ્યાજ વસૂલ કરનાર મોડાસા શહેરના કપડાંની લારી ધરાવતા શખ્સ વિરુદ્ધ બે ગુના નોંધાયા છે. જ્યારે મોડાસાના જીતપુર મરડિયાના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી એક જ દિવસમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીના ત્રણ ગુના નોંધાયા છે. તગડું વ્યાજ વસૂલતા 8 લોકો પર તલવાર લટકી રહી છે.
વ્યાજખોરીના દૂષણનો ભોગ બનેલા મોડાસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બે દિવસ અગાઉ મોડાસામાં જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. લોક દરબારમાં 11 લોકોએ લેખિતમાં રજૂઆત કરી હતી અને તમામ સામે કાયદાકીયકાર્યવાહી હાથ ધરવા જિલ્લા પોલીસવડાએ સૂચન કર્યા હતા જેના ભાગ રૂપે મોડાસા ટાઉન પોલીસમાં એક જ દિવસમાં ત્રણ ગુના નોંધાયા હતા.
જેમાં મોડાસા શહેરની દરિયાઈ સોસાયટીમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા ઈસ્માઈલભાઈ ઇકબાલ હુસેન સુથાર અને ઈશાક મુસ્તુફા ચાંપાનેરિયા રહે. સહારા સોસાયટીએ મોડાસામાં કપડાની લારી ધરાવતા વિષ્ણુભાઈ કાંતિભાઈ ભોઈ પાસેથી બંનેએ રૂ.10000 ધંધા માટે 15% ના વ્યાજે લીધા હતા.
ઉપરોક્ત શખ્સ નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઉપરોક્ત બંને ફરિયાદીઓ પાસેથી 15% વધુ વ્યાજ વસૂલતા બંનેએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વિષ્ણુભાઈ કાંતિભાઈ ભોઈ રહે. મોડાસા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મોડાસા શહેરના ભોજિયાવાસમાં રહેતા અને ખાનગીમાં નોકરી કરતા પંકજકુમાર કૈલાશભાઈ ભોજીયા એમકાનના રિપેરીંગ કામકાજ માટે પૈસાની જરૂર પડતાં તેણે મોડાસાના જીતપુર મરડિયામાં રહેતા કપિલસિંહ નરેન્દ્રસિંહ રાજપુરોહિત પાસેથી રૂ.30,000 માસિક 10% ના વ્યાજે લીધા હતા. ઉપરોક્ત કપિલસિંહ રાજપુરોહિત નાણાં ધીરધારનું લાયસન્સ ન ધરાવતો હોવા છતાં 10% વ્યાજ વસૂલ કરતાં તેની વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.