કુદરતે અરવલ્લી જિલ્લા પર જાણે કહેર વર્તવ્યો છે આજે સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો છે. ત્યારે ખેતીપાક સંપૂર્ણ બરબાદ થયો છે. જિલ્લામાં વીજળી ડુલ થવાના બનાવો પણ બન્યા છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપેલી છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લામાં મોડી સાંજે બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો છે. આજે જે વરસાદ ખાબક્યો જેમાં ખાસ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, મેઘરજના ગ્રામ્ય વિસ્તારો, અને ભિલોડા, યાત્રાધામ શામળાજીમાં ભારે પવન અને વાવજોડા સાથે વરસાદ ખાબક્યો છે. મોડાસા અને શામળાજી પંથકમાં વરસાદના કારણે લાઈટો બંધ થઈ છે. મેઘરજના કંભરોડામાં સતત એક કલાકથી વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો માટે ખૂબ આફતનો વરસાદ સાબિત થયો છે. આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદનો માર ચાલુ રહેતા હવે સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની સંભાવના છે. હજુ પણ આકાશમાં વાદળો ઘેરાયેલા છે અને ગાજવીજ શરૂ છે. ત્યારે જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ શરૂ રહેવાની સંભાવના છે.
ખેડૂતોને કોઈપણ સિઝન હોય જો કુદરત રુઠે તો તેમણે ઘણું ભોગવવું પડે છે. ત્યારે અરવલ્લીમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. 16 કલાક પછી પણ ખેતરોમાં જાણે બરફની ચાદર પથરાઈ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે અરવલ્લી જિલ્લામાં ભરપૂર કમોસમી વરસાદ ખાબક્યો હતો. સાથે સાથે ગાજવીજ અને ભારે કરા પડ્યા હતા. ત્યારે સૌથી વધારે કરા માલપુર તાલુકાના સુરાના પહાડિયા ગામે જોવા મળ્યા હતા.
વરસાદ પડ્યાના 16 કલાક કરતાં પણ વધુ સમય થયો હોવા છતાં હજુ ખેતરોમાં જાણે બરફની ચાદર પથરાયેલી હોય તેવી હાલત જોવા મળી રહી છે. આટલા લાંબા કલાકો પછી પણ નક્કર બરફ હજુ ખેતરોમાં છે. કરા પડવાથથી ખેતીવાડીને પણ વ્યાપક નુકસાન થયું છે. ઘઉં અને મકાઈનો પાક બિલકુલ નાશ પામ્યો છે. ત્યારે ખેડૂતો માટે કમોસમી વરસાદ વિલન બનીને આવ્યો છે.
એક તરફ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા માટે સૂચિત કરવામાં આવે છે ત્યારે ખેડૂતો બાગાયત ખેતી કરે છે પણ કુદરતને જાણે મંજૂર ના હોય એમ કમોસમી વરસાદથી સંપૂર્ણ શાકભાજીના પાક નષ્ટ થઈ રહ્યા છે. માલપુર તાલુકામાં કમોસમી કરા સાથે વરસાદના કારણે શાકભાજીના પાકમાં નુકસાન થયું છે.
માલપુરના રાસાપુર ગામે ખેડૂતની ત્રણ વીઘા જમીનમાં વાવેલી કોબીજનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. કોબીજના પાકમાં એક વીઘામાં એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે લાખોની ઉપજની આશા સેવી રહેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે. ગઈકાલે જે કરા પડ્યા જેના કારણે કોબીજનો તૈયાર પાક બગડી ગયો હતો. જેથી સંપૂર્ણ રીતે કોબીજમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.