હાલ શિયાળાની સિઝનમાં વીજળીનો પાવર અપડાઉન થતો હોય છે. જેના કારણે આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે મોડાસા ખાતે આવેલી પેપરમિલમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જ્યાં બીજી તરફ કોઈપણ વાહન હોય એની જાળવણી ના થાય, રેગ્યુલર સર્વિસ ના થાય તો અચાનક આગ અથવા અન્ય કોઇ દુર્ઘટના બને છે. ત્યારે મેઘરજના ઝરડા ગામેં આવેલા પ્રા.શાળા પાસેથી આજે એક કારમાં અચાનક જ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યાં હતા. જોકે આસપાસના લોકો આગને બુજાવે તે પહેલાં જ કાર બળીને ખાખ થઈ ગી હતી.
મોડાસામાં યોગીકૃપા પેપરમિલમાં આગ
મોડાસા ખાતે આવેલા પેપર મિલમાં અચાનક આગ લાગી હતી. મિલના ટ્યુબ વિભાગમાં આગ લાગવાના કારણે ટ્યુબ વિભાગ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો. આગના કારણે કંપનીમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું. આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. જોકે પેપરમિલના અન્ય વિભાગો સુધી આગ પહોંચે એ પહેલાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગે આગ પર કન્ટ્રોલ મેળવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો.
કાર ચાલકનો આબાદ બચાવ
મેઘરજના ઝરડા ગામે આવેલા પ્રા.શાળા પાસેથી આજે એક કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ચાલુ કારમાં આગળ એન્જીનના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી કાર ચાલક સિફત પૂર્વક કાર બાજુમાં ઉભી રાખી બહાર નીકળી જાતાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલક મેઘરજના વાઘ મહુડી ગામનો હોવાનું બહાર આવ્યું હતું. જો કે કારમાં કયા કારણોસર આગ લાગી તે કારણ અકબંધ છે. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.