પશુપાલકોમાં અનોખી શ્રદ્ધા:મોડાસાના ઉમેદપુરમાં ખંડુંજી મહાદેવ મંદિરે મેળો યોજાયો, હજારોની સંખ્યામાં ભક્તો શ્રીફળ અને સુખડી લઈ ઉમટી પડ્યા

અરવલ્લી (મોડાસા)22 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર ખાતે દર ભાદરવા માસના બીજા રવિવારે સ્વયંભૂ ખંડુંજી મહાદેવના સાનીધ્યે મેળો યોજાય છે. આ મેળામાં અરવલ્લી સાબરકાંઠા સહિત ચારથી પાંચ જિલ્લાના લોકો મહાદેવના દર્શન માટે અને મેળામાં ઉમટી પડે છે. પશુપાલકોમાં અનોખી શ્રદ્ધા છે, પશુઓમાં મહામારી કે અન્ય કોઈ હઠીલા રોગ સામે ખંડુંજી મહાદેવના મંદિરે શ્રીફળ અને સુખડી ધરાવવાનો અનોખો મહિમા છે. વર્ષમાં એક વખત મહાદેવની ભક્તિ કરવાથી પશુઓ નિરોગી રહે છે. દૂર દૂરથી હજારો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હાલ પશુઓમાં લંપીનો રોગ વકર્યો છે, ત્યારે પશુપાલકો મોટી સંખ્યામાં રોગને નાથવા શ્રીફળ અને સુખડી લઈ ઉમટી પડ્યા હતા.

ગ્રામજનોના કહેવા મુજબ અહીં વર્ષો પહેલા ઉમેદપુર ગામમાં જે ગાયો ચરવા જતી હતી તેમાની એક કુંવારી ગાય જાડી જાખરામાં દૂધની ધારા કરતી હતી. ત્યાં ગામના અગ્રણીઓએ જોયું તો જાડી જાખરામાંથી શિવલિંગ મળ્યું હતું. પછી તો ભક્તોની શ્રદ્ધા વધતા આ સ્થાન પર મંદિર નિર્માણ પામ્યું અને પશુઓ માટે બાધા આખડી રાખતા મહામારીનો રોગ દૂર થાય છે. આમ અનોખી શ્રદ્ધા સાથે દર ભાદરવા માસના બીજા રવિવારે ખંડુંજીનો મેળો યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...