મોડાસા શામળાજી નેશનલ હાઇવે ઉપર આવેલા ગાજણ ટોલનાકા પાસે ગત રાત્રે 10:30 કલાકે 9 ભેંસોને કતલખાને લઇ જઇ રહેલી ટ્રક પલટી જતાં મરણતોલ હાલતમાં રાખવામાં આવેલી 7 ભેંસોના ઘટનાસ્થળે મોત થયા હતા. જો કે મોકાનો ફાયદો ઉઠાવી ટ્રક આગળ પાયલોટિંગ કરતી ગાડી અને ટ્રકમાં બેઠેલા ચાલક સહિત ત્રણ શખ્સો ભાગી છૂટ્યા હતા પોલીસે ટ્રક અને નવ ભેંસો સહિત કુલ રૂ. 7,90,000નો મુદ્દામાલ કબજે લઇ ભાગી છૂટેલા કસાઈઓની તપાસ હાથ ધરી છે.
ગાજણ ટોલનાકા પાસે રાત્રે ટ્રક નંબર જીજે 31 ટી 3149 ડિવાઈડર અને રસ્તા ઉપરના પિલ્લર સાથે ટકરાતાં પલટી જતાં કતલખાને લઈ જવાઈ રહેલી અને મોઢાના અને પગના ભાગે દોરડા થી મરણતોલ હાલતમાં બાંધેલી 7 ભેંસોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવી મરણતોલ હાલતમાં રહેલી અન્ય બે ભેંસોને બચાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં મોડાસા રૂરલ પોલીસ અકસ્માત સ્થળે દોડી આવી હતી.
ત્યાં સુધીમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ટ્રકનો ચાલક અને અંદર બેઠેલા બે શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે મરી ગયેલ સાત ભેંસોનું પીએમ કરાવવા અને આ ભેંસો કતલખાને ક્યાંથી આવી અને ક્યાં લઈ જવાતી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
જાગૃત યુવાનોએ ટ્રકનો પીછો કર્યો: સ્થાનિકો
દોડી આવેલા સ્થાનિકોએ જણાવ્યું કે ભેંસો ભરી ટ્રક મોડાસા તરફથી આવી રહી હતી અને જાગૃત યુવાનોએ ટ્રકનો પીછો કર્યો હતો અને ટ્રક આગળ એક ગાડી પાયલોટિંગ કરતી હોવાનું પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.