મોડાસા પાસે આવેલા આલમપુર ગામ પાસે બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં અંદાજે 6 જેટલા લોકોનાં મોત નીપજ્યા છે. હાલમાં બે મૃતદેહને વાહનમાંથી બહાર કઢાયા છે, જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા છે. હાલમાં આગ પર 90 ટકા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો હતો. એને કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અકસ્માતના પરિણામે ટ્રાફિકને સિકા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બીજી તરફ હાઈવે પરથી વાહનો હટાવીને રોડ ખુલ્લો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ પ્રસરી
મળતી વિગતો મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. એ બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. હાલમાં બે જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
હાઈવે પર 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ
હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
એક ડ્રાઈવર વાહનમાંથી કૂદી જતા તેનો બચાવ
ઘટના વિશે જણાવતા RTO અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ વાહન વચ્ચેની અકસ્માતમાં એક વાહનની અંદર એક્સપ્લોઝિવ કેમિકલના કારણે આગ લાગી હતી. જેમાં એક વાહનના ડ્રાઈવર કૂદી જતા બચી ગયા છે, જ્યારે સામેવાળા વાહનમાં ડ્રાઈવર અને કંડક્ટરમાંથી એકનું મૃત્યું થયું છે. હાલમાં ક્રેનથી વાહનને ખેંચીને આગ પર કન્ટ્રોલ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
તસવીર અને માહિતી: કૌશિક સોની ભિલોડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.