રાજસ્થાન અને શામળાજી વિસ્તારમાં ફાયનાન્સ કંપનીના હપ્તાના રૂપિયા ઉઘરાવીને ભિલોડા પરત ફરી રહેલા ફાયનાન્સ કંપનીના કર્મીને 25 દિવસ અગાઉ શામળાજીના બોબી માતાજી મંદિર જાબચિતરીયા રોડ ઉપર ધોળેદહાડે ધોકા વડે અને પથ્થરો વડે મારમારી રૂ. 2.59 લાખની લૂંટને અંજામ આપી લૂંટારુઓ ફરાર થઇ જતાં રાજસ્થાનના 4 આરોપીઓને અરવલ્લી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે શામળાજી પાસેથી ઝડપી લઈને તેમની પાસેથી રૂ. 192000નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ધનસુરાના ભુદરીનો અને ભિલોડામાં ફાયનાન્સ કંપનીમાં ફરજ બજાવતો રાજુભાઈ બુધાભાઈ ખાંટ અને અન્ય ફાયનાન્સ કંપનીના કર્મીઓએ રાજસ્થાનના અંતરિયાળ ગામડાઓમાંથી તેમજ શામળાજી વિસ્તારમાંથી લોકોને ફાયનાન્સ કંપનીના ધિરાણ કરેલ રૂપિયાના હપ્તાના ઉઘરાવેલા નાણાં 2,59,000 લઈ બંને અલગ અલગ બાઇક પર ભિલોડા તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન તા. 9 ડિસેમ્બરને બપોરે રાજુભાઈને ભિલોડાના જાબચિતરિયા રોડ પર બોબી માતાના મંદિર પાસે બાઇક પર આવેલા 4 શખ્સોએ ધોકા વડે મારી થેલામાં રહેલા રૂ.259000 ની લૂંટ ચલાવી હતી.
એલસીબી પી.આઈ કેડી ગોહિલ અને પીએસઆઇ એસ.કે.ચાવડા અને સ્ટાફે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ, ધાડ લૂંટ અને ઘરફોડની મોડસ ઓપરેન્ડી ધરાવતા લોકો ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન એલસીબીના પીએસઆઇ એસ.કે ચાવડા સહિત સ્ટાફને બાતમી મળી હતી કે 25 દિવસ અગાઉ બોબી માતાના મંદિર પાસે ફાયનાન્સ કંપનીના કર્મચારીને મારીને લૂંટને અંજામ આપનાર રાજસ્થાનના ચાર શખ્સો નંબર વગરના બાઇક પર આવી રહ્યા હોવાની માહિતી ના આધારે એલસીબીએ ભિલોડાના કારછાની સીમમાં નવજીવન હોટેલ પાસે પુલના છેડેથી 4 આરોપીઓને ઝડપી તેમની પાસેથી લૂંટની રોકડ રકમ 1,02,000 તથા મોબાઈલ નંગ 5 કિં.50,000 તેમજ રૂ.40 હજારની બાઇક સહિત કુલ રૂ.1,92,000નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા ચારેય આરોપીઓ રાજસ્થાનના
1.) નિવાસ બંસીલાલ કાલુલાલ અહારી રહે. જાયરા ટેબરોન ફલા તા.ખેરવાડા જિ.ઉદેપુર
2.) અરવિંદ રમેશભાઈ હાજાભાઇ ખરાડી રહે. જાયરા ડોલાફલા તા. નયાગાંવ જિ. ઉદેપુર
3.) મનોજ જીવાલાલ ખોમા ભગોરા રહે. ધામોદ તા.વીંછીવાડા જિ.ડુંગરપુર
4.) લલિત રમણલાલ કાળાભાઈ ડામોર રહે. જાંબુડી ડામોરફલા તા. વીંછીવાડા
ટીંટોઇમાં બે માસ અગાઉ ચોરેલું બાઇક મળી આવ્યું
મોડાસાના ટીંટોઈમાં બે માસ અગાઉ બાઇક નંબર gj 31 j o706 ની ચોરીને ઉપરોક્ત લૂંટના ગુનાના આરોપી નિવાસ બંસીલાલ કાલુલાલ અહારી અને અરવિંદ રમેશભાઇ હાજાભાઇ ખરાડીએ અંજામ આપ્યો હતો. લૂંટના બંને આરોપીઓ ઝડપાતાં બાઇક મળતાં ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.