તપાસ:શામળાજીમાં તમારું લાઇટ બિલ બાકી છે કહી વૃદ્ધ સાથે 3.62 લાખની ઓનલાઇન ઠગાઇ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ પર લીંક મોકલતાં ખોલતાં બેન્કના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

શામળાજીના બેચરપુરામાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત કર્મીને ઠગ દ્વારા મોબાઈલ ઉપર તમારું લાઇટ બિલ બાકી છે તેવો મેસેજ મોકલી નિવૃત્ત વ્યક્તિના શામળાજી બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી એક જ દિવસમાં જુદા જુદા ચાર તબક્કામાં કુલ રૂ.3,62,994 ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી ગઠિયાએ ઉપાડી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે શામળાજીના નિવૃત્ત કર્મીએ સાયબર ક્રાઇમમાં 1930 ઉપર પણ જાણ કરી હતી. શામળાજી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બેચરપુરા કોલોનીમાં રહેતા સુભાષચંદ્ર (60) તા. 29 નવેમ્બરે ઘરે હતા. દરમિયાન તેમના મોબાઈલ ઉપર સામેથી મોબાઈલ નંબર 9864101904 ઉપરથી અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો કે તમારું ઈલેક્ટ્રિક બિલ બાકી છે નિવૃત્ત વ્યક્તિએ સામેથી જણાવ્યું હતું કે મારું ઈલેક્ટ્રીક બિલ ભરાઈ ગયેલ છે સામેથી વ્યક્તિએ કહેલ કે તમને હું ઈલેક્ટ્રીક બિલનું બાર મહિનાનું સ્ટેટમેન્ટ મોકલું છું.

તેમ કહીને તેણે મોબાઈલ ઉપર એક લીંક મોકલી હતી. આધેડે આ લીંક ને ક્લિક કરતા કંઈ આવ્યું નહીં એટલે તેમણે મોબાઇલ મૂકી દીધો હતો દરમિયાન બપોરના સમયે તેમના ઘરે મહેમાન આવતા તેઓ કામમાં પરોવાઈ ગયા હતા.

બાદમાં અચાનક મોબાઇલ ઉપર તેમના શામળાજી bank of baroda ના એકાઉન્ટ ખાતામાંથી પ્રથમ તબક્કામાં રૂપિયા 99999 ડેબિટ થયા હોવાનું અને બીજા મેસેજમાં રૂપિયા 99998 અને ત્રીજા મેસેજમાં રૂપિયા 99997 અને છેલ્લે 63,000 ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા વૃદ્ધ શામળાજી bank of baroda માં તપાસ કરતાં તેમના એકાઉન્ટમાંથી જુદા જુદા ચાર તબક્કામાં એક જ દિવસમાં અજાણ્યા ગઠિયા દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ. 3,62,994 તેમના એકાઉન્ટમાંથી ઉપાડી છેતરપિંડી આચરવામાં આવતા તેમણે 19 30 ઉપર સાયબર ક્રાઈમને પણ જાણકારી હતી. આ અંગે સુભાષચંદ્ર હરિભાઈ પટેલ રહે. બેચરપુરા કોલોની શામળાજીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...