અમદાવાદ ખાનગી કંપનીમાં ફરજ બજાવતો માલપુરના જીતપુરનો યુવાન પોતાના લગ્ન માટે 1.50 લાખ લઇ ઘરે જતો હતો. તે દરમિયાન મોડાસામાં બે ગઠિયા રસ્તા પૂછવાના બહાને દોઢ લાખ લઇ ફરાર થઇ જતાં યુવાને મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ચેક કરી ગઠિયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જીતપુરનો અને નરોડા જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતો બીપીનભાઈ ડામોરના લગ્ન હોવાથી કંપનીના શેઠ દીપકભાઈ પટેલ અને નિકુંજભાઈ પટેલ પાસેથી રૂ. 1.50 લાખ લઈ ઘરે જતો હતો. તે દરમિયાન યુવક મોડાસાના માલપુર રોડ તરફ જતો હતો. તે દરમિયાન તેની પાસે અચાનક આવેલો એક ગઠિયો કહેવા લાગ્યો કે હું મોરબી કંપનીમાં કામ કરું છું અને મારા હાથે બે ટીવી ફૂટી જતાં શેઠિયાએ મને કાઢી મૂક્યો છે મારે પાલનપુર જવું છે રસ્તો બતાવો મારી પાસે ભાડું પણ નથી કહી ગઠિયાએ યુવાનને વાતોમાં ભેળવી તેની પાસે કાળી થેલીમાં રૂ. 500 નીચલણી નોટનું બંડલ હોવાની લાલચ આપી હતી
દરમિયાન ત્યાં અચાનક અન્ય ગઠિયો પણ આવી ચડ્યો હતો અને બંને ગઠિયાઓએ યુવાનને વાતોમાં ભોળવીને તેની સાથે વિશ્વાસઘાત કરીને યુવાન પાસે કાળા થેલામાં રહેલા રૂ 1.50 લાખ રોકડ તેમજ મોબાઇલ સહિતની અન્ય ચીજ વસ્તુઓ લઈને પલાયન થઈ ગયા હતા. યુવાનને પોતાની સાથે બંને ગઠિયાઓ દ્વારા છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે ટાઉન પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતાં પોલીસે સીસીટીવી ચેક કરી બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગે બીપીનભાઈ જેસાભાઇ ડામોર રહે ડાયમંડ પાર્ક જીઆઇડીસી ગેટ નંબર 13 નાના ચિલોડા નરોડા અમદાવાદ હાલ રહેજીતપુર ટીંબાફળી તા. માલપુરની ફરિયાદના આધારે ટાઉન પોલીસે રૂ.દોઢ લાખની છેતરપિંડી આચરીને ભાગી છૂટેલા બંને આરોપીઓની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.