અકસ્માત:માલપુરના જેસવાડી નજીક ટ્રકની પાછળ કાર ઘૂસતાં બે મિત્રોનાં, મંગલપુર પાટિયે ઓડીની ટક્કરે યુવતીનું મોત

મોડાસા, માલપુર, બાયડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના માલજીના પહાડિયાના બે મિત્રો મોડાસા કામકાજ પૂરું કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘરેથી માત્ર 2 કિલોમીટર દૂર બંનેને મોત ભરખી ગયું
  • માલપુર તાલુકામાં એકજ દિવસમાં બે અકસ્માતોમાં ત્રણનાં મોતથી પંથકમાં શોક
  • માલપુરના દેવદાતીની યુવતી માલપુર નર્સિંગ કોલેજમાંથી પરત એક્ટિવા પર જતી હતી તે દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત નડ્યો

મંગળવારે માલપુર તાલુકામાં બે માર્ગ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જેમાં મોડાસા-માલપુર નેશનલ હાઈવે ઉપર સોમપુર પાસેના જેસવાડી સ્ટેન્ડ પાસે રસ્તા વચ્ચે ઉભી રહેલી ટ્રકની પાછળના ભાગે મોડાસા તરફથી આવી રહેલી કાર ઘૂસી જતાં અકસ્માતમાં માલપુરના માલજીના પહાડીયાના બંને મિત્રોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા.

પોતાના ઘરેથી માત્ર બે કિલોમીટર દૂર બંને યુવાનોને મોત ભરખી જતાં મોટી સંખ્યામાં ગામજનો દોડી ગયા હતા અને બંનેના પરિવારોએ આક્રંદ કરી મૂકતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે બીજા અકસ્માતમાં માલપુરના મંગલપુર પાટિયા પાસે લક્ઝુરીયસ કાર ઓડીની ટક્કરે એક્ટિવા પર જતી અને નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીનું મોત થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

માલજીના પહાડિયામાં રહેતા અને કપચી રેતી લે-વેચનો વ્યવસાય કરતાં રાજદીપસિંહ રાઠોડ (32) અને ગામના જયંતીભાઈ લુહાર (35) બંને મિત્રો મંગળવારે કામકાજ અર્થે વહેલી સવારે માલજીના પહાડીયાથી કાર નંબર જીજે 9 બી.એ6592 લઈ મોડાસા આવ્યા હતા. બંને મિત્રો ધંધાકીય કામકાજ પતાવી માલપુર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન 12:30 વાગ્યાના સુમારે જેસવાડી સોમપુર પાટિયા પાસે ટ્રક નંબર mh bp 1488 ના ચાલકે પોતાના કબજાના વાહનને રસ્તા વચ્ચે ઉભી કરી દઈને કોઈ આડશ ન કરી તેમજ પાર્કિંગ લાઈટ શરૂ ન રાખતાં મોડાસા તરફથી આવી રહેલી ઉપરોક્ત કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતમાં રાજદીપસિંહ કરણસિંહ રાઠોડ (32) અને જયંતીભાઈ મનુભાઈ લુહાર (35) નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતનો ભોગ બનેલા બંને યુવાનોને બહાર કાઢવા પણ મુશ્કેલ થઈ પડ્યું હતું. ગામજનોએ મહામહેનતે અકસ્માતનો ભોગ બનેલા બંને યુવાનોને 108 દ્વારા તાત્કાલિક માલપુર સિવિલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃતજાહેર કર્યા હતા. આ અંગે મૃતકના કાકા અભેસિંહ પ્રભાતસિંહ રાઠોડે માલપુર પોલીસ સ્ટેશનનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજા અકસ્માતમાં માલપુર તાલુકાના દેવદાતી ગામની કામિનીબેન વણકર માલપુર નર્સિંગ માલપુરની મધરકેર કોલેજમાં નર્સિંગનો કોર્સ કરી માલપુરથી પોતાના વતન દેવદાતી જવા દરમિયાન એક્ટિવા લઈને કોલેજમાંથી નીકળી હતી. જ્યાં માલપુર ગોધરા સ્ટેટ હાઇવે પર આવેલ મંગલપુર પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે ઓડી કાર લઈ આવતાં ચાલકે એક્ટિવા ચાલક યુવતીને ધડાકાભારે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજાવ્યું હતું. ટક્કર મારી કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો.આ મામલે પોલીસે ઓડી ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

મૃતકોના નામ
(1). રાઠોડ રાજદીપસિંહ કરણસિંહ
(2). લુહાર જયંતિ કુમાર મેવાભાઈ બંને રહે. માલજીના પહાડિયા
(3) કામિનીબેન પ્રવિણભાઇ વણકર

લુહાર, રાજપૂત અને વણકર સમાજમાં શોક
કારમાં પરત ફરી રહેલા મિત્રોને પોતાના ગામ અને ઘરથી માત્ર બે કિમી દૂર મોત ભરખી જતાં લુહાર સમાજ,રાજપૂત સમાજમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. યુવતીનું મોત થતાં વણકર સમાજમાં શોકની કાલિમા છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...