કેવલ જોષીયારાના કેસરિયા:સહાનુભૂતિના મોજા પર ભિલોડા બેઠક જીતવા ભાજપનો ખેલ

ભિલોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેવલ જોષીયારાએ પાટીલના હસ્તે કેસરિયા કર્યા - Divya Bhaskar
કેવલ જોષીયારાએ પાટીલના હસ્તે કેસરિયા કર્યા
  • ભિલોડાના કોંગ્રેસના 4 ટર્મના સ્વ. ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના 4 મંત્રીઓ સહિતની હાજરીમાં કેવલના કેસરિયા, અગાઉ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા હતા

ભાજપે આ વખતની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કબજો જમાવવા સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. પહેલા ઉત્તર ગુજરાતના ખમતીધર આદિવાસી નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ભાજપમાં જોડ્યા બાદ હવે ભિલોડા બેઠક પરથી છેલ્લી 4 ટર્મથી કોંગ્રેસમાંથી વિજેતા બનતા બીજા આદિવાસી આગેવાન સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાને ભાજપમાં સામેલ કરી કોંગ્રેસને મોટો આંચકો આપ્યો છે.

મંગળવારે ભિલોડામાં રાજ્ય સરકારના 4-4 મંત્રીઓ અને ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમં કેવલ જોષીયારાએ ભાજપની કેસરી ટોપી પહેરી હતી. ભાજપ પ્રદેશ બાદ કેવલ જોષીયારાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રમોદીના સૌના સાથ સૌના વિકાસની નીતિથી પ્રેરાઇને ભાજપમાં જોડાયો છું. મેં કોઇ માંગણી કરી નથી. પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી ભિલોડા બેઠક પર ભાજપનો કેસરિયો ધ્વજ ફરકાવવા કેવલ જોષીયારાને જ ટિકિટ આપી અનિલ જોષીયારાના નિધન બાદ ઉભા થયેલા સહાનુભૂતિના મોજા ઉપર સવાર થઇ ભાજપ આ બેઠક કબજે કરવા માગે છે.

સ્વતંત્ર ગુજરાતની રચના બાદ અત્યારસુધી વિધાનસભાની યોજાયેલી 13 ચૂંટણીમાં ભિલોડા બેઠક પરથી ભાજપ એકમાત્ર 1995 માં જીતી શક્યો છે. તે વખતે ભાજપના ઉમેદવાર હતા. ડો. અનિલ જોષીયારા. પરંતુ તે પછી 1998માં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ડો. અનિલ જોષીયારાના બદલે દેવજીભાઇ પટેલને ટિકિટ આપી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના મત વહેંચાઇ જતાં અપક્ષ ઉમેદવાર અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનો 7298 મતે વિજય થયો હતો. ત્યારબાદ ડો. અનિલ જોષીયારા કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને વર્ષ 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભાની સતત 4 ચૂંટણીમાં ડો. અનિલ જોષીયારા જીત્યા હતા.

આ પ્રસંગે પ્રભારીમંત્રી કુબેરભાઈ ડીડોરે જણાવ્યું કે કેવલ ભાઈ જોષીયારા દૂધમાં સાકર ભળે તેમ પાર્ટીના કાર્યકરો સાથે મળીને સમાજસેવાના કાર્યો આગળ ધપાવશે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઇ, જિલ્લા સહપ્રભારી ગીરીશભાઇ જગાણીયા, સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ રહેવર, જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર, જિલ્લા પ્રભારીમંત્રી કુબેરભાઇ ડિંડોર, રૂષિકેશભાઇ પટેલ કેબીનેટ મંત્રી, નરેશભાઇ પટેલ કેબીનેટ મંત્રી, રાઘવજી પટેલ, જિ.પં. પ્રમુખ લાલસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી, પી.સી.બરંડા,પ્રદેશ મહામંત્રી આદિજાતી મોરચો, મંડલ પ્રમુખ, કાંતિભાઇ પટેલ, ભિલોડા સરપંચ મુકેશભાઇ ત્રિવેદી હાજર રહ્યા હતા.

ભિલોડા બેઠક પર ભાજપ 60 વર્ષમાં એકજ વાર જીત્યુ઼

વર્ષઉમેદવારનું નામપક્ષ

માર્જિનથી જીતેલ મત

1962ગણપતલાલ ત્રિવેદીકોંગ્રેસ7144
1967એ. જે.ત્રિવેદીસ્વતંત્ર પક્ષ4082
1972મૂળશંકર રણછોડદાસકોંગ્રેસ3315
1975ધનેશ્વર વ્યાસનેશનલ કોંગ્રેસ10831
1980મનુભાઇ ત્રિવેદીકોંગ્રેસ11966
1985ઉપેન્દ્ર ત્રિવેદીકોંગ્રેસ20339
1990ઉપેન્દ્ર ત્રિવેદીકોંગ્રેસ8349
1995ડો. અનિલ જોષીયારાભાજપ7298
1998ઉપેન્દ્ર ત્રિવેદીઅપક્ષ7298
2002ડો. અનિલ જોષીયારાકોંગ્રેસ7163
2007ડો. અનિલ જોષીયારાકોંગ્રેસ11756
2015ડો. અનિલ જોષીયારાકોંગ્રેસ31543
2017ડો. અનિલ જોષીયારાકોંગ્રેસ12417

ભિલોડા બેઠક ઉપર છેલ્લા 20 વર્ષથી ભાજપ જીતી શક્યુ નથી
​​​​​​​
સ્વ. ધારાસભ્ય ડૉ. અનિલ જોષિયારાએ 1995 થી 1997 સુધી રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 1998ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદી સામેની હાર બાદ 1998 થી 2000 સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસ સમિતિના વડા તરીકે સેવા આપી હતી. તેમણે 2002,2007,2012,2017 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભિલોડા મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષમાંથી વિજય મેળવ્યો હતો.

કાર્યક્રમમાં 10 થી વધુના પાકિટ ચોરાયા, કેવલ જોષીયારા અને પરિવારના સભ્યો પણ નિશાને
​​​​​​​ભિલોડાના ભાજપના કાર્યક્રમમાં ચોરોએ 10 થી વધુ લોકોના પાકિટ તેમજ મોબાઇલની તફડંચી કરી હતી. કાર્યક્રમમાં લોકોના પૈસા તેમજ પર્સ ચોરાતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. ગાંધીનગર રહેતા અમિત સુરેન્દ્રકુમાર ચંદનના રૂ.50હજાર રોકડ, ગાંધીનગર આઈબીમાં ફરજ બજાવતા દિલીપભાઈ બચુભાઈ કટારાના પાકિટની ચોરી થતાં તેમના જરૂરી દસ્તાવેજો અને રોકડ 500ની ચોરી થઇ હતી. કલ્પેશભાઈ ગોવિંદભાઈનું પાકિટ ચોરાતાં તેમના 8 હજાર રોકડની ચોરી થઈ હતી. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓનાં 58500ની ચોરી થઇ હોવાનું નોંધાયું હતું.

તદુપરાંત મનીષ કુમાર લાલસિંહભાઈ નિનામાનો 40 હજારનો મોબાઈલ પડી ગયો હોવાનું સામે આવ્યું હતું. કાર્યક્રમમાં કેવલ જોષીયારા અને તેમના પરિવારના સભ્યોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ભિલોડા બેઠક કોંગ્રેસની છે અને કોંગ્રેસની રહેશે કોઇ વ્યક્તિની નથી
સ્વ. ધારાસભ્ય ડૉ. અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષીયારા મંગળવારે ભાજપના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપમાં જોડાતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં અંદરો અંદર તણખા ખરવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગે આદિવાસી સમાજના અગ્રણી અને પીઢ કોંગી નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેવલ જોષીયારા ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી ભિલોડા બેઠક વર્ષોથી કોંગ્રેસની છે અને કોંગ્રેસની રહેશે આ બેઠક કોઈ વ્યક્તિની નથી.

કેવલ ભિલોડા તા.પં.ની ઉબસલ બેઠક પર ચૂંટણી હારી ગયા હતા
​​​​​​​મંગળવારે ભિલોડામાં ભાજપના કાર્યક્રમમાં સી.આર. પાટીલના હસ્તે ભાજપમાં જોડાનાર સ્વ. ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાન પુત્ર કેવલ જોષીયારા અગાઉ ચૂંટણી હારી ચૂક્યા છે. જેમાં ભિલોડા ધારાસભ્ય સ્વ. અનિલ જોષીયારાના પુત્ર કેવલ ભાઈ જોષીયારા વર્ષ- 2021માં ભિલોડા તાલુકા પંચાયતની ઉબસલ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા જોકે આ ચૂંટણીમાં તેઓ 400 થી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...