યુપીના 40 જેટલા ગંભીર ગુનાઓમાં સપડાયેલો ખૂંખાર આરોપી બાયડ પોલીસના જાપ્તામાંથી ફરાર થતાં પોલીસ હચમચી ઉઠી છે. ત્યારે ફરાર આરોપી સામે ઉત્તરપ્રદેશમાં ફરિયાદ નોંધાઇ છે. બાયડ પી.આઈ એમ વી તોમર પાસેથી મળેલી વિગતો અનુસાર ગત તા. 1 મે ના રો યુપીથી બદરુદ્દીન સૈયદ (61) તથા મહંમદ ફહીમ (25) બંને આરોપીઓને ઉત્તર પ્રદેશ પોલીસે પકડ્યા હતા. જ્યાં તેઓએ બાયડના ડેમાઈમાં ચોરાયેલ ઇકોની ચોરી કબૂલતાં બાયડ પોલીસ મથકે લવાયા હતા.
પોલીસને ચકમો આપી ફરાર
બંને આરોપીઓની તપાસ પૂરી કર્યા બાદ બાયડ પોલીસના 4 જવાન તથા 2 ડ્રાઇવર સાથે તા. 5 મેના રોજ સવારે ઉત્તરપ્રદેશ સિકંદરા પોલીસ મથક લઈ ગયા હતા. ત્યાં આ પોલીસ સ્ટેશનની હદમાંથી અચાનક તા.6 ના રોજ પરોઢે બાયડ પોલીસને ચકમો આપી બદરુદ્દીન સૈયદ ભાગી છૂટ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ફરાર આરોપી વિરુદ્ધ સિકંદરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીને પકડવા માટે પોલીસે દોડદોડ કરી મૂકી છે.
40 ઉપરાંત ગુનાઓમાં સંડોવાયેલો
ફરાર થઈ ગયેલ બદરુદ્દીન સૈયદ 40 ઉપરાંત ગુજરાત રાજ્યમાં જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલો છે. અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં પણ હથિયારોના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે
પોલીસના માથે કાર્યવાહીની લટકતી તલવાર
બાયડ પોલીસના વનરાજ સિંહ, મહોબતસિંહ, મહેશકુમાર,શૈલેષભાઈ તથા અન્ય બે ડ્રાઇવર સામે લાપરવાહીને લઈ કાર્યવાહી પોલીસ વિભાગમાંથી થાય તેવી ચર્ચાઓએ પણ વેગ પકડી લીધો છે.
ડેમાઇની કાર ઉત્તરપ્રદેશમાંથી મળી આવી
ડેમાઈથી થોડા સમય અગાઉ ઇકોની ઉઠાંતરી થઈ હતી આ ઇકો કાર ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી ઝડપી પાડી હતી જેને લઇ ટ્રાન્સફર વોરંટથી બાયડ બંને ખૂંખાર આરોપીઓને લવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.