શનિવારે બાયડ પાલિકા વિસ્તારમાં આવતા અરજણવાવ નજીક વેસ્ટ ડમ્પિંગ સાઈટમાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા ગામમાં આવતાં ડમ્પિંગ સાઇટને તાળાં મારી દીધા હતા. જેને લઇ વાતાવરણ તંગ બનતાં પાલિકાએ પોલીસને જાણ કરતાં બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી માંડમાંડ મામલો થાળે પાડી સાઇટના તાળાં ખોલ્યા હતા.
આ અંગે અરજણવાવના યુવાન કિરીટભાઈ પટેલ, સરલભાઈ પટેલ વગેરેએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે અરજણવાવ નજીક ઘણા સમયથી પાલિકાની વેસ્ટ ડમ્પિંગ સાઈટ આવેલ છે. છેલ્લા ઘણા સમયથી કચરો સળગાવતા અત્યંત ઝેરી ધુમાડાના ગોટેગોટા ગામમાં આવી જાય છે જેને લઇ ગામમાં રહેવું પણ ભારે મુશ્કેલ બની ગયું છે.
ગામમાં લોકો બીમારીઓમાં પટકાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી જેને લઇ શનિવાર સવારે અચાનક જ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા થતાં યુવાનો ભેગા થઈ ડમ્પિંગ સાઈટ ઉપર આવી વિરોધ પ્રદર્શન શરૂ કરી દેતાં ભારે હલચલ મચી ગઈ હતી.
જોતજોતામાં ડમ્પિંગ સાઇટની યુવાનોએ તાળા બંધ કરી દીધી હતી આ વાતની જાણ પાલિકામાં થતાં પાલિકાથી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી સાઈટના તાળાં ખોલ્યા હતા.કિરીટભાઈ પટેલ તથા સરલભાઈ પટેલ તથા અન્ય યુવાનોએ જણાવ્યું કે ઝેરી ધુમાડો, મેડિકલ વેસ્ટ વગેરેના ધુમાડા સીધા જ ગામમાં આવી જાય છે જેને લઇ અનેક લોકો શ્વાસની ભયંકર બીમારીમાં સપડાઈ ગયા છે. આમને આમ ચાલશે તો ગામને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે.
ખોટો વિરોધ કરાય છે
પાલિકાના ચીફ ઓફિસર સાવીબેન સોનીએ જણાવ્યું કે આ ડમ્પિંગ સાઈટમાં કોઈક વાર સળગી જાય તો તુરંત તેને ઓલવી દેવાય છે. ત્યારે સાઈટને સાફ રાખવા તજવીજ હાથ ધરાઇ છે. ખોટી રીતે વિરોધ કરાઇ રહ્યો છે. આગ લાગવાના સમાચાર મળતા તુરંત જ ફાઈટર મોકલાયું હતું. જેને પણ રોકી દેવાતા આગ ઓલવવામાં મુશ્કેલી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.