દુર્ઘટના:બાયડના ઝાંઝરીધોધમાં અમદાવાદના 3 યુવાનો ડૂબતાં મોત, યુવાન પુત્રોના મોતને લઇ પરિવારમાં આક્રંદ

બાયડ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
તંત્રે ડૂબી ગયેલા યુવકોને બુધવાર રાતથી કવાયત હાથ ધરી હતી અને બચાવ કામગીરી ગુરૂવાર સવાર સુધી યથાવત રહેવા પામી હતી - Divya Bhaskar
તંત્રે ડૂબી ગયેલા યુવકોને બુધવાર રાતથી કવાયત હાથ ધરી હતી અને બચાવ કામગીરી ગુરૂવાર સવાર સુધી યથાવત રહેવા પામી હતી
 • અમદાવાદના રખિયાલ બાપુનગર વિસ્તારના 7 મિત્રો ઈદની રજા હોઇ ફરવા ઝાંઝરીમાં આવ્યા હતા, એક મિત્રને ડૂબતો બચાવવા બે મિત્રો પડતાં ડૂબી ગયા
 • બુધવાર રાત્રે સ્થાનિક તરવૈયાઓએ એક મૃતદેહ બહાર કાઢ્યો, ગુરુવાર સવારે બે મૃતદેહો ફાયર ફાઇટર અને ગાંધીનગર NDRFની ટીમે બહાર કાઢ્યા

બાયડના ઝાંઝરીધોધમાં અમદાવાદ બાપુનગરના 7 મિત્રો ઈદ બાદ રજા હોઇ ફરવા માટે આવ્યા હતા. આ મુલાકાત 3 મિત્રો માટે અંતિમ મુલાકાત સાબિત થઈ છે. જ્યાં બુધવાર સાંજે એક મિત્ર ન્હાવા પડતાં જે ડૂબવા લાગતાં બીજા બે મિત્રો તેને બચાવવા પડતાં તે પણ ડૂબી જતાં બુધવાર રાતથી જ યુવકોને શોધવા કવાયત હાથ ધરતાં સ્થાનિક તરવૈયાઓએ રાત્રે 1 મૃતદેહ બહાર કાઢ્યો હતો જ્યારે ગુરૂવાર સવારે તંત્ર દ્વારા 14 કલાકની ભારે જહેમત બાદ બીજા બે મૃતદેહોને બહાર કાઢતાં પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

14 કલાકના સર્ચ ઓપરેશન બાદ મૃતદેહોને બહાર કઢાયાં
14 કલાકના સર્ચ ઓપરેશન બાદ મૃતદેહોને બહાર કઢાયાં

અમદાવાદ બાપુનગરમાં અજીતમિલ ચાર માડીયા રખિયાલના 7 મિત્રો ઈદ બાદ બુધવાર બપોરના સુમારે અમદાવાદથી નીકળી બાયડના ઝાંઝરીમાં ફરવા આવ્યા હતા. જ્યાં નદીમાં નાહવા પડતાં એક મિત્ર ડૂબતો હોઇ તેને બચાવવા અન્ય બે મિત્રો જતાં ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થઈ ગયા છે.

કમનસીબ મૃતકો
1. હસન ઈર્શાદ મોહંમદ મનસુરી; (23)
2. અલમાન તાજમહંમદ શેખ; (20)
3. ઇસતીયાક કમરૂદ્દીન મનસુરી; (21)

ત્રણેય મિત્રો નદીમાં ડૂબતાં સાથે આવેલ અન્ય મિત્રો આંબલિયારા પોલીસ મથકે દોડી પહોંચી મદદ માટે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્રણે મૃતદેહને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. આખી રાત ચાલેલી કાર્યવાહીમાં તરવૈયાઓ પણ થાકી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ રાત્રે 1 મૃતદેહ અને તંત્ર દ્વારા 2 મૃતદેહો ગુરૂવાર સવારે બહાર કાઢ્યા હતા. ઘટનાથી પંથકમાં ચકચાર મચી હતી.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ઘટનાક્રમ

 • અમદાવાદથી 7 મિત્રો બાઇક લઇને 2 વાગ્યાની આસપાસ નીકળ્યા
 • સાંજે 4 વાગ્યાના સુમારે ઝાંઝરી તમામ મિત્રો પહોંચ્યા
 • 5 વાગ્યા બાદ ત્રણ મિત્રો ડૂબતાં અન્ય બહાર દોડી આવ્યા
 • આંબલિયારા પોલીસને સાંજે 6 વાગ્યાની આસપાસ જાણ થઈ
 • સ્થાનિક તરવૈયાઓની મદદથી 1 મૃતદેહ રાત્રે 11 વાગે બહાર કઢાયો
 • રાત્રે 11 વાગ્યાના સુમારે મોડાસાથી ફાયરની ટીમ આવી
 • બીજો મૃતદેહ ગુરૂવાર સવારે 10: 45 વાગે બહાર કઢાયો
 • સવારે 9 વાગે ગાંધીનગર એનડીઆરએફની ટીમ આવી
 • 12:45 વાગે ત્રીજો મૃતદેહ એનડીઆરએફ દ્વારા કાઢવામાં આવ્યો
 • 1 વાગ્યા બાદ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીતપુર મોકલાયા

કામગીરી;14 કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું
બુધવાર સાંજના છ વાગ્યાની આસપાસ ત્રણેય મિત્રો ડૂબી ગયાની જાણ આંબલિયારા પોલીસને કરતાં પોલીસ પ્રાંત અધિકારી મામલતદાર એનડીઆરએફ મોડાસા ફાયર વિભાગ વગેરે ટીમો દ્વારા બુધવાર સાંજથી ગુરુવાર સવારના અગિયાર વાગ્યાની આસપાસ લગભગ 14 કલાક ઉપરાંત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયા બાદ ત્રણેય મૃતદેહ મળી આવ્યા હતા.

અંતિમ મુલાકાત; ત્રણેયની ઉંમર 20-23 વર્ષની
ઝાંઝરીમાં મોતને ભેટેલા ત્રણેય યુવકોની ઉંમર 20, 21 અને 23 વર્ષની છે. જુવાનજોધ દીકરાઓ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પાછળના રસ્તેથી આવ્યાનું બહાર આવ્યું
અમદાવાદ બાપુનગર થી 7 મિત્રો જ્યારે ઝાંઝરી આવ્યા ત્યારે મુખ્ય રસ્તાના બદલે અન્ય પાછળના રસ્તેથી ઝાંઝરીનો ધોધ સુધી પહોંચ્યા હતા. જેને લઇ ત્રણ મિત્રો ડૂબ્યા તેની સ્થાનિકોને મોડી સાંજે ખબર પડી હતી.

રહી રહી જાગ્યા.. તંત્ર લાઈટ અને બોર્ડ લગાવશે
બાયડ પ્રાંત અધિકારી ભાર્ગવ પટેલે જણાવ્યું કે ઝાંઝરી ખાતે ધોધ તરફ જતા રસ્તા ઉપર સોલર લાઈટ લગાવી અને ધોધની આજુબાજુ બોર્ડ લગાવવા માટે ઉચ્ચ કક્ષાએ જાણ કરી કાર્યવાહી હાથ ધરવા તંત્ર કામે લાગ્યું છે.

100 થી વધુ વ્યક્તિઓ ઝાંઝરીમાં ડૂબીગયા
બાયડના ઝાંઝરીમાં અત્યાર સુધીમાં 100 ઉપરાંત લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે છતાં પણ આ સ્થળે કોઈ યોગ્ય દિશાસૂચન કરતાં અથવા ભય દર્શાવતા બોર્ડ ન લગાવતા આવા મૃત્યુ થયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...