આક્ષેપ:બાયડની સરસોલી દૂધ મંડળીમાં ચૂંટણીમાં બહાર રહેતા લોકોના મત આવી જતાં વિવાદ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અધિકારી તરીકે મંડળીના ટેસ્ટરને મૂકી દેવાયા, રજિસ્ટ્રાર કચેરીનું ભેદી મૌન

બાયડ તાલુકાની મોટી ગણાતી એવી સરસોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીને લઇ ભારે વિવાદ ઉભો થઈ ગયો છે. જિલ્લા કલેક્ટરની કોઈ પરવાનગી લીધા વગર ચૂંટણી કરી દેવાની પેરવી તથા રજિસ્ટ્રાર કચેરીના ભેદી મૌનને લઈ તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

આ અંગે સરસોલી ગામના દિલીપભાઈ પટેલ, પ્રેમલ ભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ વગેરેએ જિલ્લા કલેક્ટર કચેરી તથા જિલ્લા રજિસ્ટારને કરેલ લેખિત ફરિયાદ મુજબ સરસોલી ગામમાં આવેલ દૂધ મંડળીની ચૂંટણી ખોટી રીતે થઈ રહી છે. ગામમાં જે લોકો નોકરીઓ કરે છે, જેમના ઘરે ગાય ભેંસ નથી તેમના મત ખોટી રીતે યાદીમાં સમાવી લેવામાં આવ્યા છે. ગામની દીકરીઓ કે જે પરણાવી અને અન્ય ગામમાં ગયા છે, જે ગામમાં મતદાર યાદીમાં નામ છે, તેવા નામ પણ ખોટી રીતે મતદારયાદીમાં સમાવી દઈ એક તરફ ચૂંટણી કરવાની ખોટી મનસા થઈ રહી છે.

સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ અરજદારોએ દૂધ મંડળીની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કર્યા બાદ તુરંત જ લેખિત ફરિયાદ આપી છતાં પણ કોઇ કાર્યવાહી ન કરતા છેવટે અરજદારોએ જિલ્લા કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવતા ભારે હલચલ મચી ગઈ છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર તત્કાળ રોક અપાવવામાં આવે તેવી માગણી અરજદારોએ લેખિતમાં કરી હતી.

ચૂંટણી અધિકારીની પુત્રી પરણાવી છતાં મત યાદીમાં
સમગ્ર પ્રકરણમાં અરજદારોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી અધિકારી સુરેશભાઈના પુત્રી અન્ય ગામમાં પરણાવી દીધા હોવા છતાં પણ તેમનો મત મતદાર યાદીમાં આવી ગયો છે આ મામલે ચૂંટણી અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું કે મારી પુત્રીના નામે હું દૂધ ભરું છું એટલે નામ આવ્યું હશે.

દૂધનું ટેસ્ટિંગ કરનાર ચૂંટણી અધિકારી
દૂધ મંડળીમાં દૂધનું ટેસ્ટિંગ કરનાર ટેસ્ટરને ચૂંટણી અધિકારી બનાવી અને ખોટી રીતે યાદીઓ મંજૂર કરાવી દેતા કાયદાના લીરે લીરા ઉડી ગયા હોવાનો આક્ષેપ અરજદારોએ કર્યો હતો.

ખોટા નામની મને જાણ નથી: ચૂંટણી અધિકારી
આ મામલે દૂધ મંડળીના ચૂંટણી અધિકારી સુરેશભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે હું દૂધ મંડળીમાં ટેસ્ટર તરીકે ફરજ બજાવું છું. અમારા દ્વારા કલેક્ટરની કોઈ પરવાનગી કોરોના ગાઇડલાઇન મુજબ લીધી નથી. વાંધા અરજીઓ આવી છે. ખોટા નામ આયો હોય તો મને કોઈ ખબર નથી. કોમ્પ્યુટર વાળા ભાઈને ખબર હોય.

અન્ય સમાચારો પણ છે...