લોકોમાં આક્રોશ:સાઠંબા-ગાબટ રોડ પર ડામર કર્યાને બે માસ થયા છતાં એજન્સી દ્વારા સાઈડો પૂરાઈ નથી

બાયડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા માર્ગ અને મકાન વિભાગની મિલીભગતથી એજન્સી દ્વારા કામમાં વેઠ ઉતારાતી હોવાની બૂમ
  • 10 કિ.મી.ના અંતરમાં રસ્તા ઉપર 24 કરતાં વધુ બમ્બ હટાવવાની કામગીરી પણ ટલ્લે ચડી

બાયડ તાલુકાના સાઠંબા થી ગાબટને જોડતા રસ્તા ઉપર ડામર કામ થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં ખાનગી એજન્સી દ્વારા રસ્તાની સાઈડમાં મોરમ પૂરવાનું કામ અધૂરું રાખવામાં આવતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. 35 કરતાં વધુ ગામડાંઓને જોડતા ડામર રોડ ઉપર સાઈડનું કામ અધુરૂ રખાતા વાહનચાલકોને વાહન ઓવરટેક કરવામાં અને સાઈડ આપવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

બાયડ તાલુકાના સાઠંબાથી ગાબટ સુધીનો સુધીનો માર્ગ બિસ્માર થઈ જતા તેને ડામર કરવા માટે ઉચ્ચ કક્ષાએ સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી. જેના પગલે 15 વર્ષ બાદ બે જિલ્લાને જોડતો રસ્તો ડામર બનાવવા માટે સરકારે મંજૂર કર્યો હતો. આ રસ્તો ખેડા મહીસાગર જિલ્લાને જોડતો હોવાથી તેમજ અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે પહોંચવા માટે આ રસ્તો ટૂંકો હોવાથી 24 કલાક વાહનચાલકોથી ધમધમતો રહે છે.

જોકે આ રસ્તો સરકારે ડામર કરવા માટે બે વર્ષ અગાઉ મંજૂર કર્યો હતો. ત્યારે બે મહિના અગાઉ ખાનગી એજન્સી દ્વારા આ રસ્તા ઉપર ડામર કામ કરવામાં આવ્યું છે અને તેમાં પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ખાનગી એજન્સીને મિલીભગતથી રસ્તાના કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાની બૂમ ઉઠી છે. આ રસ્તાનું ડામર કામ થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં ખાનગી એજન્સી દ્વારા રસ્તાની બંને સાઇડ ઉપર મેટલ અથવા મોરમ નાખીને પુરવામાં ના આવતા વાહન ચાલકોમા અકસ્માતની ભીતી સેવાઈ રહી છે

આ રસ્તા ઉપર ખેડૂતો અને ટેકટર ચાલકોને વાહનો ની સાઇડ આપવા માં મોટી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોવાથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા આ રસ્તા ઉપર વિઝિટ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માગણી ઉઠી છે.

10 કિ.મી.ના રસ્તા ઉપર 24 સ્પિડ બ્રેકર
આ 10 કિલોમીટરના રસ્તા ઉપર ખાનગી એજન્સી દ્વારા ૨૪ જેટલા સ્પિડ બ્રેકર બેસાડવામાં આવ્યા છે. આ અંગેના ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં અને સમાચારો પ્રસિદ્ધ થતાં સ્પિડ બ્રેકર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ચાર સ્પિડ બ્રેકર દૂર કરાયા બાદ દૂર કરવાની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં આક્રોશ છે.

અન્ય સમાચારો પણ છે...